ગુજરાત સરકાર તરફથી વારેવારે ગુજરાતમાં સલામતીનો દાવો કરવામાં આવે છે. જોકે, તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પરથી તારણ કાઢી શકાય છે કે ‘સલામત’ ગુજરાતમાં અહીંની મહિલાઓ જ ‘અસલામત’ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે જ જાહેર કરેલા આંકડા પ્રમાણે એક વર્ષમાં રાજ્યમાંથી 6108 મહિલાઓ ગુમ થઈ છે. એટલું જ નહીં આ મહિલાની આજ દિવસ સુધી કોઈ અતોપતો મળ્યો નથી. એક દિવસની સરેરાશ જોઈએ તો દરરોજ લગભગ 17 મહિલાઓ ગુમ થાય છે. વારેવારે કહેવામાં આવે છે કે સલામત ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ છૂટથી ફરી શકે છે, પરંતુ ઉપરના આંકડાઓ જોઈને લાગે છે કે હવે આવી ગુલબાંગો પોકારવા કરતા આ દિશામાં નક્કર કાર્યવાહીની જરૂર છે.
અપહરણના કેસ- 1679
સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી પ્રમાણે વર્ષ 2013-14માં 1621 મહિલાઓનુ અપહરણ થયુ હતું. જ્યારે વર્ષ 2017-18માં મહિલાઓના અપહરણના કેસ વધીને 1679 નોંધાયા હતાં. એટલે કે અપહરણને કેસમાં વધારો નોંધાયો છે.
મહિલાઓ ગુમ થવાના કેસ- 6108
મહિલાઓ ગુમ થવાના કેસની વાત કરીએ તો 2013-14માં આવા 5059 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2017-18માં આવા 6108 કેસ નોંધાયા છે. બંને વર્ષના આંકડા જોઈએ તો એવું કહી શકાય કે રાજ્યમાં મહિલાઓ ગુમ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાર જ વર્ષમાં મહિલાઓ ગુમ થવાના કેસમાં એક હજારથી વધારેનો વધારો થયો છે.
છેડતીના કેસ- 1224
વર્ષ 2013-14માં મહિલાઓની છેડતીના 1224 કેસ પોલીસના ચોપડે નોંધાયા હતા. 2017-18ના વર્ષની વાત કરવામાં આવે તો આવા 1224 કેસ નોંધાય છે.
બળાત્કારના કેસ- 926
વર્ષ 2013-14માં બાળત્કારના 753 કેસ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે વર્ષ 2017-18માં આવા 926 કેસ નોધાયા હતા.