ક્રિકેટ સ્ટેડિયમ અને દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ બનાવ્યા બાદ હવે ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. આ સાથે જ ગુજરાતના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. આ મંદિરની ડિઝાઈન એક જર્મન અને એક ભારતીય આર્કિટેક્ટે સંયુક્ત રીતે તૈયાર કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આ મંદિર 100 વીઘા જમીન પર નિર્માણ પામશે અને તેની ઊંચાઈ 431 ફૂટ (131 મીટર)ની રહેશે.
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર વૈષ્ણોદેવી મંદિરની સામે જાસપુર ખાતે બનનારું આ વિશાળ મંદિર માઁ ઉમિયાને સમર્પિત હશે. જે પાટીદાર સમાજના લોકોની કુળદેવી છે. કહેવાય છે કે, આ મંદિરના નિર્માણ પાછળ 1 હજાર કરોડ રુપિયાનો ખર્ચ આવશે. મંદિરની અંદરના ભાગમાં ત્રણ વ્યૂઈંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી અહીં આવનારા લોકા સમગ્ર અમદાવાદ શહેરનો નજારો જોઈ શકે. આ વ્યૂઈંગ ગેલેરી અંદાજે 82 મીટર ઊંચી હશે.