લોક રક્ષક દળની પરીક્ષામાં શરૂઆતથી જેનું નામ લેવામાં આવી રહ્યું હતું તે યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. યશપાલની મહિસાગર એસઓજીએ ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવશે. યશપાલસિંહ દિલ્હી જઈને લોક રક્ષક દળની પરીક્ષાની આન્સર કી લાવ્યો હતો. પોલીસે યશપાલના મોબાઇલ નંબરને સર્વેલન્સ પર રાખીને તેની ભાળ મેળવી હતી. યશપાલની ધરપકડ સાથે જ પોલીસ પેપર લીક કાંડમાં દિલ્હીના જે લોકો સંડોવાયેલા છે તેની માહિતી મેળવી શકશે.
દિલ્હીથી ગુજરાત પરત આવ્યા બાદ યશપાલે લોક રક્ષક દળની પરીક્ષા આપવાની હતી. આ માટે તે સુરત પહોંચી ગયો હતો. પરંતુ પેપર લીક થઈ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો આથી તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. બીજી તરફ પોલીસે મનહર પટેલની ધરપકડ કરી લીધી હતી. મનહર પટેલની પૂછપરછ દરમિયાન પોલીસને યશપાલનો બીજો મોબાઇલ નંબર મળ્યો હતો. જૂનો નંબર બંધ થઈ જતાં પોલીસ યશપાલનો નવો નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો.