કોરોના મહામારીમાં અનલોક-1 વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોના લોકો સરકારના જાહેરનામાનું પાલન ન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એવી જ અનેક ફરિયાદોને લઈને નર્મદા જિલ્લાની આમલેથા પોલીસની ટિમ અંતરિયાળ ગામડાઓમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી, એ દરમિયાન જુનાઘાટા ગામમા 30 લોકોના ટોળાએ એમના પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના ઘટી હતી. આ બનાવ સંદર્ભે આમલેથા પોલીસે 30 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
નર્મદા જિલ્લાની આમલેથા પોલીસ મથકના મહિલા PSI એસ.ડી.પટેલ પોતાની પોલીસ ટીમ સાથે ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગ માટે ગયા હતા. દરમિયાન એ વિસ્તારના જુના ઘાટા ગામના ટકાવા ધોધ ખાતે 8 જેટલા યુવાનો પાર્ટી કરી ન્હાવાની મજા માણી રહ્યા હતા. દરમિયાન ત્યાં પોલીસને આવતા જોઈ તેઓ પોતાની બાઈક મૂકી ભાગી ગયા હતા. આમલેથા પોલિસે આ મામલે તપાસ કરી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી રહી હતી ત્યારે એ તમામ લોકો સહીત અન્ય 30 લોકોના ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું અને પોલિસ પર પથ્થર પર હુમલો કર્યો હતો. આ મામલે આમલેથા પોલીસે 30 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.