ગુજરાત મગફળી ઉત્પાદનમાં રચશે નવો ઇતિહાસ, ૬૬ લાખ મે. ટન ઉત્પાદનનો અંદાજ
મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ગુજરાતના અર્થતંત્રનો પણ એક અભિન્ન અંગ બની રહ્યો છે. મગફળી ઉત્પાદન ક્ષેત્રે દેશમાં અગ્રિમ હરોળમાં રહેલા ભારતમાં, ગુજરાત આજે મગફળીના વાવેતર અને ઉત્પાદન બંને ક્ષેત્રે પોતાનો દબદબો યથાવત જાળવી રહ્યો છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે રાજ્ય મગફળી ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચશે, જેમાં કુલ ઉત્પાદન ૬૬ લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાનો પ્રાથમિક અંદાજ છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપતાં જણાવ્યું કે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં જ્યાં રાજ્યમાં મગફળીનું વાવેતર ૧૫.૯૪ લાખ હેક્ટર હતું, તે વધીને ચાલુ વર્ષે ૨૫ ટકાના વધારા સાથે ૨૨ લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. આ આંકડો અત્યાર સુધીના સૌથી વધુ વાવેતર વિસ્તારને દર્શાવે છે.
ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ગુજરાત પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યું છે.
વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીમાં, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં મગફળીનું ઉત્પાદન વધીને ૫૨.૨૦ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે, આ આંકડો વિક્રમી ૬૬ લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારો દર્શાવે છે. આ કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો દેશના અંદાજીત કુલ ઉત્પાદનના ૫૦ ટકાથી પણ વધુ રહેવાનો અંદાજ છે.
ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવે છે અને તે મુજબ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ગત વર્ષ ૨૦૨૪-૨૫માં, રાજ્ય સરકારે ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે તેવી ખાતરી કૃષિ મંત્રીએ આપી હતી.
મંત્રી પટેલે જણાવ્યું કે, મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા MSP, સીધી ખરીદી અને નવી સંશોધિત જાતોના કારણે ખેડૂતો મગફળીનું વાવેતર કરવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે. ગુજરાત ગ્રાઉન્ડનટ-૨૦, ૩૨, ૩૯, ૨૩ અને ગિરનાર-૪ જેવી જાતોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, જે વધુ ઉત્પાદન આપે છે.
મગફળીનો ઉપયોગ મુખ્યત્વે ખાદ્યતેલ અને આહારમાં થાય છે
જે ગુજરાતી ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે. તેના ખોળનો ઉપયોગ પશુ આહારમાં પણ થાય છે. ગુજરાતની ફળદ્રુપ જમીન અને અનુકૂળ આબોહવા મગફળીના પાક માટે અત્યંત યોગ્ય છે, જેના કારણે સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોને “મગફળીનો ગઢ” તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ પરિબળો મળીને ગુજરાતને મગફળી ઉત્પાદનમાં દેશભરમાં મોખરે રાખી રહ્યા છે.