ભારતીય IT કંપનીઓ પર આવ્યું મોટું સંકટ! વિઝાના નવા નિયમોથી બદલાઈ જશે ટેક વર્લ્ડનું આખું ચિત્ર?
અમેરિકામાં રોજગારી મેળવવા અને કામ કરવા ઈચ્છતા વ્યાવસાયિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુએસ સરકારના ડેટા પર આધારિત એક નવા રિપોર્ટ મુજબ, H-1B વિઝા રજિસ્ટ્રેશનમાં કોવિડ મહામારીના વર્ષો બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય IT ક્ષેત્રની ટોચની છ દિગ્ગજ કંપનીઓ દ્વારા H-1B વિઝા માટે કરવામાં આવતા ફાઇલિંગમાં સીધો ૯૨% જેટલો જંગી ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમમાં કરવામાં આવેલા કડક ફેરફારો મુખ્ય કારણ છે, જેમાં નવા વિઝા માટે 1,00,000 ડૉલરની ફી અને લૉટરી સિસ્ટમમાં બદલાવનો સમાવેશ થાય છે, જે હવે વધુ પગાર મેળવતા અને અત્યંત કુશળ કામદારોને પ્રાથમિકતા આપે છે.

અમેરિકન કંપનીઓની સરખામણીમાં ભારતીય કંપનીઓમાં મોટો ઘટાડો
જ્યારે ભારતીય IT કંપનીઓમાં રજિસ્ટ્રેશનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે, ત્યારે મુખ્ય અમેરિકી કંપનીઓમાં આ ઘટાડો ઘણો ઓછો ગંભીર રહ્યો છે. ઉદાહરણ તરીકે, માઈક્રોસોફ્ટે (Microsoft) નાણાકીય વર્ષ ૨૭ માટે ૨,૪૮૧ રજિસ્ટ્રેશન ફાઇલ કર્યા છે, જે છ ભારતીય IT કંપનીઓના સંયુક્ત કુલ રજિસ્ટ્રેશન કરતા પણ વધુ છે. આ ઉપરાંત, એપલ (Apple) અને જેપી મોર્ગન (JPMorgan) દ્વારા અનુક્રમે ૨,૨૬૫ અને ૯૩૫ રજિસ્ટ્રેશન ફાઇલ કરવામાં આવ્યા છે. માઈક્રોસોફ્ટ, એપલ, જેપી મોર્ગન અને વોલમાર્ટ જેવી વૈશ્વિક કંપનીઓમાં રજિસ્ટ્રેશનમાં ૧૬% થી ૪૦% સુધીનો જ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાનિક સ્તરે હાયરિંગ અને નાસ્કોમ (Nasscom) નું નિવેદન
ઇન્ડસ્ટ્રી બોડી ‘નાસ્કોમ’ (Nasscom) અને અગ્રણી ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, ભારતીય IT કંપનીઓમાં આવેલા આ અચાનક અને તીવ્ર ઘટાડાનું એક મુખ્ય કારણ અમેરિકામાં જ સ્થાનિક પ્રતિભા (Local Talent) ને મોટા પ્રમાણમાં રોજગારી આપવાનું છે. આનાથી ભારતમાંથી કર્મચારીઓને અમેરિકા ટ્રાન્સફર કરવાની જરૂરિયાત ઘણી ઘટી ગઈ છે.
આજની તારીખમાં મોટાભાગની ભારતીય સંસ્થાઓ H-1B વિઝા પર વધુ પડતી નિર્ભર નથી. તેમણે એવા રસ્તાઓ શોધી કાઢ્યા છે જેના દ્વારા તેઓ સ્થાનિક સ્તરે જ કર્મચારીઓની ભરતી કરી શકે અને વિઝા પર આધાર રાખ્યા વગર પોતાની ટેલેન્ટ મોબિલિટીનું સંચાલન કરી શકે.
H-1B વિઝાની વાર્ષિક મર્યાદા અને ભારતીયોની સ્થિતિ
અમેરિકા સરકાર દ્વારા દર વર્ષે નવા H-1B વિઝાની મર્યાદા ૮૫,૦૦, સુધી નક્કી કરવામાં આવી છે, જેમાં ૨૦,૦૦૦ વિઝા એવા અરજદારો માટે અનામત રાખવામાં આવ્યા છે જેમણે યુએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કે તેથી વધુનું શિક્ષણ મેળવ્યું હોય. આ વિઝા માટેની લૉટરી સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજવામાં આવે છે.

હાલમાં USCIS દ્વારા રજિસ્ટ્રેશનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ લોઅર પૂલમાંથી મંજૂરી મેળવનારની અંતિમ સંખ્યા હજુ જાહેર થવાની બાકી છે. આ સમગ્ર પ્રક્રિયામાં એક રસપ્રદ બાબત એ છે કે કુલ જારી કરવામાં આવતા H-1B વિઝામાંથી એકલા ભારતીયોનો હિસ્સો જ ૭૧% જેટલો મોટો છે.
કંપનીઓ સામે કડક તપાસ અને વિઝા પ્રોસેસિંગનું ભવિષ્ય
અમેરિકામાં માત્ર રજિસ્ટ્રેશન જ નહીં, પરંતુ વિઝા પ્રોસેસિંગને લઈને પણ નિયમો ખૂબ કડક બન્યા છે. કોગ્નિઝન્ટ (Cognizant) અને ક્લાઉડએરા (Cloudera) સહિતની કેટલીક કંપનીઓ માટે વિઝા પ્રોસેસિંગ હાલમાં સ્થગિત કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઇન્ફોસિસ (Infosys) અને ટીસીએસ (TCS) જેવી દિગ્ગજ કંપનીઓ પણ એલસીએ (LCA) ઓડિટ અને થર્ડ-પાર્ટી ક્લાયન્ટ પ્લેસમેન્ટની સઘન તપાસનો સામનો કરી રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે વિદેશી શ્રમ વિઝા સિસ્ટમ (Foreign-labour visa system) આગામી સમયમાં વધુ સઘન અમલીકરણ અને નિયમોને આધીન રહેશે, જેના કારણે એક વર્ષ પછી આખી વ્યવસ્થા તદ્દન અલગ જ સ્વરૂપમાં જોવા મળી શકે છે.
