દિલ્હીમાં H1N1ના કેસોમાં અચાનક ઉછાળો! ડૉક્ટરની મોટી ચેતવણી
રાજધાની દિલ્હીમાં H1N1 ઇન્ફ્લુએન્ઝા (સ્વાઈન ફ્લૂ)ના કિસ્સાઓમાં અચાનક થયેલા વધારાએ આરોગ્ય નિષ્ણાતો અને સામાન્ય લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ઝડપથી ફેલાતો આ વાયરસ લોકોને ગંભીર ન્યુમોનિયા તરફ ધકેલી રહ્યો છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિઓમાં આ વાયરસ હળવા લક્ષણો બતાવીને ગાયબ થઈ જાય છે, પરંતુ નિષ્ણાત તબીબોએ ચેતવણી આપી છે કે વૃદ્ધો અને અગાઉથી કોઈ ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે આ વાયરસ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.
પીએસઆરઆઈ (PSRI) ઇન્સ્ટિટ્યૂટ ઓફ પલ્મોનરી, ક્રિટિકલ કેર એન્ડ સ્લીપ મેડિસિનના ચેરમેન ડૉ. જી. સી. ખિલનાનીના જણાવ્યા અનુસાર, વર્તમાન H1N1 વાયરસ સામાન્ય લોકોમાં ટૂંકા ગાળાની બીમારી આપે છે અને તે પોતે જ મટી જાય છે. પરંતુ જોખમી શ્રેણીમાં આવતા લોકો માટે સ્થિતિ ગંભીર બની શકે છે. 70 થી 80 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો, ડાયાબિટીસ, ફેફસાની લાંબા ગાળાની બીમારી ધરાવતા લોકો, કેન્સરની સારવાર લેતા દર્દીઓ અથવા સ્ટિરોઇડ્સ લેવાને કારણે જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે, તેવા લોકો આ વાયરસના કારણે ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. પરિણામે, ઘણા દર્દીઓને ICU અને વેન્ટિલેટર પર રાખવાની નોબત આવી છે.

વધુમાં, ડૉ. ખિલનાની જણાવે છે કે અત્યારે રિપોર્ટ થઈ રહ્યા છે તેના કરતાં વાસ્તવિક કેસોની સંખ્યા છ ગણી વધુ હોઈ શકે છે, કારણ કે દરેક દર્દી પોતાના ફ્લૂ ટેસ્ટ કરાવતો નથી.
H1N1 નો સૌથી વધુ ભય કોને છે?
H1N1 વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્રના ઉપલા અને નીચલા ભાગને અસર કરે છે. સામાન્ય ચેપ જ્યારે ફેફસાં સુધી પહોંચે છે ત્યારે તે ન્યુમોનિયા અને રેસ્પિરેટરી ફેલ્યોર (શ્વસનતંત્ર નિષ્ફળ જવું) જેવી ગંભીર સ્થિતિ ઊભી કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને તબીબી નિષ્ણાતોના મતે નીચે મુજબના જૂથોમાં ગંભીર જોખમ રહેલું છે:
વૃદ્ધો: 70-80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ.
ક્રોનિક બીમારી ધરાવતા લોકો: ડાયાબિટીસ, અસ્થમા અથવા ફેફસાંના અન્ય રોગોથી પીડાતા દર્દીઓ.
નબળી રોગપ્રતિકારક શક્તિ: કેન્સરની થેરાપી મેળવતા લોકો, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા દર્દીઓ અથવા લાંબા સમયથી સ્ટિરોઇડ્સ પર નિર્ભર લોકો.
સગર્ભા મહિલાઓ અને નાનાં બાળકો: જેમનામાં વાયરસ સામે લડવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે.
ડૉ. ખિલનાની ઉમેરે છે કે જ્યારે દર્દીને હળવી હલનચલન અથવા આરામ કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે, અથવા ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિમાં સુસ્તી આવે અને તેઓ પ્રતિસાદ આપવાનું ઓછું કરી દે, ત્યારે તે ખૂબ જ ચિંતાજનક બાબત ગણાય છે.
શા માટે આ વાયરસ આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે?
H1N1 એ અત્યંત ચેપી વાયરસ છે અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ (શરીર પ્રવેશ્યા પછી લક્ષણો દેખાવાનો સમય) ખૂબ જ ટૂંકો હોય છે. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ના છીંકે કે ખોંખારો ખાય છે, ત્યારે હવામાં અથવા સપાટી પર શ્વાસોશ્વાસના ટીપાં (ડ્રોપલેટ્સ) દ્વારા આ વાયરસ ફેલાય છે.

આ કારણે ઘર, ઓફિસ કે શાળાઓ જેવા સ્થળોએ આ ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર થાય છે. ઘણીવાર વ્યક્તિમાં લક્ષણો સ્પષ્ટ થાય તે પહેલાં જ તે અજાણતાં અન્ય લોકોને ચેપ લગાડી દે છે. તેથી જ, જો કોઈ વ્યક્તિમાં ફ્લૂના લક્ષણો દેખાય તો તેમણે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું અને ઘરના અન્ય સભ્યો સાથે સીધો સંપર્ક ટાળવો જોઈએ.
કયા લક્ષણો દેખાય ત્યારે સ્થિતિ ગંભીર ગણાય?
H1N1 ના સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, ગળામાં ખરાશ અને શરીરનો દુખાવો શામેલ છે. પરંતુ જો નીચે મુજબના “રેડ ફ્લેગ” અથવા ગંભીર લક્ષણો દેખાય, તો તુરંત જ તબીબી સહાય લેવી જરૂરી છે:
શ્વાસ ચડવો: આરામ કરતી વખતે અથવા સામાન્ય ચાલવા જેવી પ્રવૃત્તિમાં પણ શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવી.
ઓક્સિજનનું ઓછું સ્તર: પલ્સ ઓક્સિમીટર પર ઓક્સિજન સેચ્યુરેશન (SpO2) 91 થી 92 ટકા અથવા તેનાથી પણ નીચે જવું.
ત્વચા કે હોઠ પર વાદળી રંગ: શરીરમાં ઓક્સિજનની ઉણપને કારણે હોઠ અથવા મોંની આસપાસની ત્વચા વાદળી પડવી.
છાતીમાં અતિશય દુખાવો: છાતીમાં સતત દબાણ કે અસહ્ય દુખાવો અનુભવાવો.
માનસિક અસ્વસ્થતા: દર્દીમાં સુસ્તી આવવી, આસપાસનું ભાન ભૂલી જવું અથવા પ્રતિસાદ ન આપવો.
શું એન્ટીબાયોટીક્સ H1N1 નો ઇલાજ કરી શકે?
સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે તેઓ વાયરલ ઇન્ફેક્શનમાં પોતાની મેળે એન્ટીબાયોટીક્સ લેવાનું શરૂ કરી દે છે. H1N1 એ એક વાયરસ છે, જ્યારે એન્ટીબાયોટીક્સ માત્ર બેક્ટેરિયા સામે કામ કરે છે. તેથી, વાયરલ ફ્લૂમાં એન્ટીબાયોટીક્સ બિલકુલ અસરકારક નથી.
તબીબી સલાહ મુજબ, આ રોગમાં ઓસેલ્ટામિવીર (Oseltamivir) જેવી એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવે છે. પરંતુ અહીં સમયનું ખૂબ જ મહત્વ છે. લક્ષણો શરૂ થયાના 48 કલાકની અંદર જો એન્ટીવાયરલ દવા શરૂ કરવામાં આવે, તો જ તે વધુ અસરકારક નીવડે છે. એન્ટીબાયોટીક્સનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવો જોઈએ જ્યારે ડૉક્ટરને લાગે કે દર્દીને વાયરસની સાથે અન્ય બેક્ટેરિયલ ન્યુમોનિયા (સેકન્ડરી ઇન્ફેક્શન) પણ થયું છે.
શું રસીકરણ H1N1 સામે રક્ષણ આપે છે?
હા, સીઝનલ ફ્લૂ વેક્સિન (Seasonal Influenza Vaccine) H1N1 સામે રક્ષણ મેળવવાનો સૌથી ઉત્તમ અને સુરક્ષિત ઉપાય છે.
ડૉ. ખિલનાનીના જણાવ્યા મુજબ, ભારતમાં ઉપલબ્ધ ફ્લૂ વેક્સિન H1N1 સ્ટેન સામે રક્ષણ પૂરું પાડે છે. જેમ કોવિડ-19 રસીમાં થતું હતું, તેમ આ રસી લેવાથી સંક્રમણની શક્યતાઓ ઘટે છે, અને જો ચેપ લાગે તો પણ બીમારીની ગંભીરતા તથા મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. વાયરસ સતત પોતાના રૂપ બદલતો (મ્યુટેટ થતો) હોવાથી દર વર્ષે નવી ફ્લૂ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે.
