શ્રાવણ મહિનો અને અયોધ્યામાં માછલી વિવાદ: સનાતન પરંપરા, શ્રદ્ધા અને રાજકારણ વચ્ચે ખેલાતો વિવાદ
પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન અયોધ્યામાં આયોજિત એક કાર્યક્રમમાં માછલી પીરસવાના મુદ્દે ભારે રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. સદીઓથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મસ્થળ તરીકે પૂજનીય અને સનાતનીઓની આસ્થાના કેન્દ્રસમા અયોધ્યા શહેરમાં બનેલી આ ઘટનાએ સનાતન પરંપરાઓ અને ધાર્મિક મર્યાદાઓ અંગે એક નવો વિવાદ છેડી દીધો છે.
હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ કાવડ યાત્રાના માર્ગ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયની હાજરીને લઈને સંત સમુદાય અને વિરોધી પક્ષો દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ધાર્મિક યાત્રાધામના માર્ગ પર અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવા પ્રસંગને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

સંત સમુદાયનો રોષ અને સનાતન મર્યાદાનો મુદ્દો
સનાતન પરંપરામાં અશુદ્ધ સ્થિતિમાં અથવા અયોગ્ય સમયે અને સ્થળે માંસાહારી ભોજનનું સેવન કરવું એ તામસિક આચરણ માનવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં લોકો પોતાની ખાનગી જીવનશૈલી મુજબ આહાર લેતા હોય છે, પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સ્થળ, યાત્રાધામનો માર્ગ કે પવિત્ર સપ્તાહ જોડાયેલું હોય, ત્યારે સાર્વજનિક ક્ષેત્રે ચોક્કસ શિસ્તની અપેક્ષા રાખવામાં આવે છે.
આ ઘટના બાદ સંત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મહામંડલેશ્વર વિષ્ણુ દાસ, મહંત સીતારામ દાસ અને સનાતન રક્ષક સંઘ જેવા સંગઠનોના પ્રતિનિધિઓએ આ કિસ્સામાં આકરી પ્રતિક્રિયા આપી છે. સંતોનું માનવું છે કે અયોધ્યાની ધાર્મિક ગરિમા અને મર્યાદાનું પાલન દરેક જાહેર વ્યક્તિ માટે અનિવાર્ય હોવું જોઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મુદ્દે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તેને ધાર્મિક લાગણીઓ સાથે રમત સમાન ગણાવ્યું છે.
અગાઉ બનેલી ઘટનાઓ અને વધતો વિવાદ
આ પ્રકારની આહાર વિષયક કે ધાર્મિક સ્થળો પર બનેલી ઘટનાઓ પ્રથમ વખત નથી બની. આ અગાઉ પણ કેટલીક આવી બનાવો સામે આવી ચૂક્યા છે જેણે આસ્થાના પ્રતીકો પર ચર્ચા જગાવી હતી:
વારાણસી ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી: ગંગા નદી વચ્ચે બોટ પર માંસાહારી બિરયાની આરોગવા અને અવશેષો નદીમાં ફેંકવાના આરોપસર પોલીસે 14 લોકો સામે કાર્યવાહી કરી હતી.
સરયુ નદીમાં બીયર પાર્ટી: અયોધ્યાની પવિત્ર સરયુ નદીમાં બોટ પર મોટેથી સંગીત વગાડીને દારૂ-બીયરની પાર્ટી કરવાનો વિડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.
અયોધ્યા માછલી ભોજન વિવાદ: શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાના રૂટ પર માછલી અને ભાત પીરસવાના આયોજનમાં રાજકીય નેતાની હાજરીથી નવો વિવાદ ઊભો થયો છે.

અજય રાયનો બચાવ અને સફાઈ: “હું શાકાહારી છું અને શ્રાવણ પાળું છું”
આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયે સ્પષ્ટતા આપતા પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે પડકાર ફેંક્યો છે કે જો કોઈ વ્યક્તિ તેમનો અથવા તેમની થાળીમાં માછલી હોવાનો કોઈ વીડિયો કે ફોટો રજૂ કરશે, તો તેઓ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.
અજય રાયે વિગતો આપતાં જણાવ્યું કે, તેઓ નિષાદ સમુદાય દ્વારા આયોજિત એક સાર્વજનિક કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા ગયા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. માછલી પકડવી, વેચવી અને પોતાના સામાજિક કાર્યક્રમોમાં બનાવવી એ નિષાદ સમુદાયની પરંપરાગત જીવનશૈલીનો ભાગ છે. તેમણે ઉમેર્યું, “હું પોતે કાશીનો વતની છું અને મહાદેવનો પરમ ભક્ત છું. હું સંપૂર્ણપણે શાકાહારી છું અને શ્રાવણ મહિનાના તમામ પવિત્ર નિયમોનું પાલન કરું છું. રાજકીય હેતુથી મારા વિશે ગેરસમજ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.”
