હાર્દિક પંડ્યાનો હુંકાર: ‘હજી 10 વર્ષ ક્રિકેટ રમવું છે અને જીતવા છે વધુ 10 ICC ખિતાબ’
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભવ્ય વિજય બાદ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે મોટું નિવેદન આપ્યું છે. જીતના ઉત્સાહ વચ્ચે હાર્દિકે સ્પષ્ટ કર્યું કે તે હજી લાંબી ઈનિંગ રમવા માટે તૈયાર છે અને તેની નજર વધુ આઈસીસી ખિતાબો પર છે. આ ઉજવણી દરમિયાન હાર્દિક મેદાન પર તેની મિત્ર માહિકા શર્મા સાથે મસ્તીના મૂડમાં પણ જોવા મળ્યો હતો.
ફાઈનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બેટિંગમાં તેણે માત્ર 13 બોલમાં 18 રનની ઝડપી ઈનિંગ રમી, જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બોલિંગમાં પણ તેણે કમાલ કરતા 4 ઓવરમાં 36 રન આપીને માર્ક ચેપમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારત ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિકે તિરંગો ખભા પર લહેરાવી આખા મેદાનમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.
’10 વર્ષ, 10 આઈસીસી ખિતાબ’
જીત બાદ વાતચીત દરમિયાન હાર્દિક પંડ્યાએ પોતાના લક્ષ્ય વિશે જણાવતા કહ્યું કે, “મને ખબર છે કે મારી પાસે હજી 10 વર્ષનું ક્રિકેટ બાકી છે. આ 10 વર્ષોમાં મારો ટાર્ગેટ ઓછામાં ઓછા 10 આઈસીસી ખિતાબ જીતવાનો છે.” હાર્દિકે વધુમાં ઉમેર્યું કે ભારત પોતાના ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે, જે ખૂબ જ ભાવુક ક્ષણ છે. અહીંના લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે અમારી મહેનત સફળ થઈ છે.
જીત અંગે અગાઉથી જ હતો વિશ્વાસ
હાર્દિકે થોડી આધ્યાત્મિક વાત કરતા ખુલાસો કર્યો કે તેને એક દિવસ પહેલા જ અહેસાસ થઈ ગયો હતો કે ભારત ચેમ્પિયન બનવાનું છે. તેણે કહ્યું, “મેં હાર વિશે વિચાર્યું જ નહોતું, મારા મનમાં માત્ર જીત જ હતી. સેમીફાઈનલમાં જ્યારે હું 19મી ઓવર નાખી રહ્યો હતો, ત્યારે મારા મગજમાં 2024ના વર્લ્ડ કપ ફાઈનલની યાદો તાજી થઈ રહી હતી.”
Hardik Pandya and Ishan Kishan dancing with their girlfriends after winning the T20 World Cup 2026 final.❤
Ishan Kishan kissing his girlfriend — one of the craziest moments of the match. 🏆 pic.twitter.com/in9PVwUmo0
— Sonu (@Cricket_live247) March 8, 2026
યુવા ખેલાડીઓને આપી ખાસ સલાહ
હાર્દિકે ટીમમાં તેના સાથી ખેલાડીઓ ઈશાન કિશન અને અભિષેક શર્મા સાથે થયેલી વાતચીત વિશે પણ જણાવ્યું. તેણે યુવા ખેલાડીઓને સલાહ આપી હતી કે, “જ્યારે તમે બેટિંગ કરવા જાઓ ત્યારે હંમેશા હકારાત્મક વિચારો. જો તમે બીજાની ખુશીમાં ખુશ થશો, તો ભગવાન તમને પણ ખુશ થવાની તક આપશે. બસ, ચૂપચાપ તમારું કામ કરતા રહો, સફળતા ચોક્કસ મળશે.”
