મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય ક્રાંતિ: ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો પ્રારંભ
પીએમ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે, દેશભરની મહિલાઓ અને બાળકોને સ્વાસ્થ્યની ઉત્તમ ભેટ મળી છે. ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ચાલનારા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન હેઠળ, દેશભરમાં એક લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ પહેલ મહિલા, કિશોરો અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને મજબૂત બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે મહિલા અને બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ બનશે.
આ અભિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું છે. તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં દરરોજ યોજાનારી આ શિબિરોમાં, ગાયનેકોલોજિસ્ટ, બાળ નિષ્ણાતો અને દંત ચિકિત્સકો ઉપલબ્ધ રહેશે. જે બાળકોનું રસીકરણ અધૂરું છે, તેમને આ શિબિરો દ્વારા અપડેટ કરવામાં આવશે. કિશોરીઓમાં એનિમિયા (કુપોષણ) ની તપાસ અને સારવાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, સાથે જ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં થયો હતો, તેમણે ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ સતત દેશના વિકાસ અને જનકલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યા છે. આ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તેમના જનકલ્યાણકારી દ્રષ્ટિકોણનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે દેશના સૌથી નાજુક અને મહત્વપૂર્ણ વર્ગ – મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપશે.