Ahmedabad Plane Crash: બળી ગયેલા મૃતદેહોની ઓળખ કેમ મુશ્કેલ છે અને ડીએનએ ટેસ્ટ કેવી રીતે મદદરૂપ થાય છે?
Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદ શહેરમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મૂક્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે દુર્ઘટનાનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં 242 પૈકી 241 લોકોનાં દુઃખદ મૃત્યુ થયા છે, જ્યારે એક માત્ર મુસાફર બચી ગયો હતો. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે ઘણા મૃતદેહો ઓળખવા અસમર્થ થઈ પડ્યા છે કારણ કે તેઓ ખુબજ ખરાબ રીતે બળી ગયા છે.
મૃતદેહોની ઓળખ કેમ મુશ્કેલ બને છે?
દિલ્હીની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાત ડૉ. બી.એન. મિશ્રા અનુસાર, ભારે આગમાં શરીરના પેશીઓ, ત્વચા, ચહેરા, અંગૂળીઓના નિશાન અને અન્ય ઓળખ ચિહ્નો નાશ પામે છે. ક્યારેક તો હાડકાં પણ તૂટી જાય છે કે છિન્ન-ભિન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં ચહેરા કે કપડા દ્વારા ઓળખવાં અશક્ય બને છે.
ડીએનએ ટેસ્ટ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?
ડીએનએ (ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ) એ માનવ શરીરના કોષોમાં રહેલું અનન્ય જૈવિક કોડ છે, જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરના બચેલા ભાગોમાંથી જેમ કે દાંત, હાડકાં અથવા વાળના મૂળમાંથી ડીએનએ મેળવીને તેને સંભવિત સંબંધીઓના નમૂનાઓ સાથે મેચ કરવામાં આવે છે. જો મેચ મળે છે, તો ઓળખ નીકળે છે.
ક્યા અંગોમાં ડીએનએ બચી શકે છે?
- દાંત – અગ્નિમાં પણ ઘણીવાર દાંતનો અંદરનો ભાગ સુરક્ષિત રહે છે.
- હાડકાં – ખાસ કરીને જાડા હાડકાંના અંદરના અસ્થિ મજ્જામાં ડીએનએ બચી શકે છે.
- વાળના મૂળ – જો વાળ સંપૂર્ણપણે ન બળે તો મૂળમાંથી ડીએનએ કાઢી શકાય છે.
ડીએનએ ટેસ્ટમાં કેટલો સમય લાગે છે?
નમૂના એકત્ર કરવા માટે થોડા કલાકો જોઈએ છે, જ્યારે લેબમાં તેનું વિશ્લેષણ અને સરખામણી કરવા 3 થી 10 દિવસ અથવા ક્યારેક 2-3 અઠવાડિયા લાગી શકે છે.
શું ડીએનએ પરીક્ષણ હંમેશા સફળ રહે છે?
જ્યારે શરીર સંપૂર્ણ રીતે બળી જાય છે ત્યારે ડીએનએ નમૂનાઓ પણ નાશ પામી શકે છે, જેના કારણે પરીક્ષણ શક્ય ન બની શકે. તેથી બીજી ઓળખ પદ્ધતિઓ પણ જરૂરી બની શકે છે, જેમ કે દંતચિકિત્સા રેકોર્ડ્સ કે મેડિકલ હિસ્ટ્રી.
નિષ્ણાતોની ભલામણ શું છે?
ડૉ. મિશ્રા કહે છે કે આવા અકસ્માતોમાં ડીએનએ પરીક્ષણ સૌથી સચોટ અને વિશ્વસનીય પદ્ધતિ છે. સરકારી એજન્સીઓએ તાત્કાલિક સંબંધીઓના નમૂનાઓ એકત્ર કરીને પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ.