FSSAI ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: દૂધ ખરીદતા પહેલાં દરેક ગૃહિણી માટે આ ટેસ્ટ કરવો કેમ છે જરૂરી?
ભારતીય પરિવારોમાં સવારની શરૂઆત ચા-દૂધ વગર અધૂરી ગણાય છે. કરોડો લોકો માટે દૂધ એ માત્ર એક પીણું નથી, પરંતુ બાળકોના પોષણ અને વડીલોના સ્વાસ્થ્યનો મુખ્ય આધારસ્તંભ છે. પરંતુ, શું તમે જે દૂધ તમારા પરિવારને આપી રહ્યા છો તે ખરેખર પ્યોર છે? તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કરવામાં આવેલા એક ચોંકાવનારા સર્વેએ દેશભરમાં ચિંતા જગાવી દીધી છે.
FSSAI એ જુદી જુદી જગ્યાએથી દૂધના સેમ્પલ એકઠા કરીને જ્યારે તેની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આશરે ૭૦ ટકા સેમ્પલ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ રહ્યા હતા! આ સેમ્પલ્સમાં પાણી, સ્ટાર્ચ (લોટ/ચોખાનો પાવડર), ડિટર્જન્ટ (કપડાં ધોવાનો પાવડર), યુરિયા અને ઝેરી સિન્થેટિક કેમિકલ્સ જેવી ખતરનાક વસ્તુઓની ભેળસેળ જોવા મળી હતી.

ભેળસેળવાળું દૂધ સ્વાસ્થ્ય માટે કેમ છે જોખમી?
દૂધમાં થતી આ ભેળસેળ માત્ર દૂધના પોષક તત્વોનો નાશ નથી કરતી, પરંતુ તે આપણા શરીર માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે. આવું દૂધ પીવાથી:
-
પેટમાં ઇન્ફેક્શન, દુખાવો અને ઉલ્ટી-ઝાળા જેવી પાચનની સમસ્યાઓ થઈ શકે છે.
-
લાંબા ગાળે લિવર (યકૃત) અને કિડની (મૂત્રપિંડ) ને ભારે નુકસાન પહોંચે છે.
-
ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું સ્તર અચાનક વધી કે ઘટી શકે છે.
તમારા પરિવારને આવા ગંભીર જોખમોથી બચાવવા માટે, તમે ખૂબ જ સરળતાથી ઘરે બેઠા દૂધની શુદ્ધતા ચકાસી શકો છો. આ રહી ૬ સૌથી સરળ રીતો:
૧. પાણીની ભેળસેળ તપાસવા માટે ‘વોટર ટેસ્ટ’
દૂધમાં નફો કમાવવા માટે સૌથી વધુ પ્રમાણમાં પાણી મિક્સ કરવામાં આવે છે. જોકે આનાથી સીધું મોટું નુકસાન નથી થતું, પણ દૂધની પૌષ્ટિકતા સાવ ઘટી જાય છે.
-
કેવી રીતે કરશો ટેસ્ટ: કાચ, ટાઇલ્સ અથવા કોઈપણ લીસી અને સહેજ ત્રાંસી સપાટી પર દૂધનું એક ટીપું ટપકાવો.
-
પરિણામ: જો દૂધ એકદમ શુદ્ધ હશે, તો તે ધીમે-ધીમે નીચે સરકશે અને પોતાની પાછળ સફેદ લસરકો (ડાઘ) છોડતું જશે. પરંતુ જો તેમાં પાણી મિક્સ કરેલું હશે, તો તે કોઈ પણ જાતનો ડાઘ છોડ્યા વગર ઝડપથી વહી જશે.
૨. ઘટ્ટતા વધારવા માટે થતી સ્ટાર્ચની તપાસ
ઘણા દૂધવાળા કે ડેરીઓ દૂધને ઘટ્ટ બતાવવા અને તેનું પ્રમાણ વધારવા માટે તેમાં સ્ટાર્ચ (લોટ કે માંડવીનો પાવડર) ઉમેરે છે, જે પાચનતંત્ર બગાડે છે.
-
કેવી રીતે કરશો ટેસ્ટ: એક કાચના ગ્લાસમાં થોડું દૂધ લો અને તેમાં આયોડિન સોલ્યુશન (Iodine Solution) ના ૨ થી ૩ ટીપાં ઉમેરો. (આ સોલ્યુશન મેડિકલ સ્ટોર પર આસાનીથી મળી રહે છે).
-
પરિણામ: જો આયોડિન ઉમેર્યા પછી દૂધનો રંગ બદલાઈને ભૂરો (Blue) થઈ જાય, તો સમજી લેવું કે દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ છે. જો રંગ ન બદલાય તો દૂધ સુરક્ષિત છે.
૩. દૂધને સફેદ અને ફીણવાળું બનાવતો ‘ડિટર્જન્ટ ટેસ્ટ’
દૂધમાં ડિટર્જન્ટ પાવડર કે સાબુનું પાણી એટલા માટે ભેળવવામાં આવે છે જેથી દૂધ ઘટ્ટ દેખાય, એકદમ સફેદ લાગે અને તેમાં સરસ ફીણ વળે. આ કેમિકલ પેટ અને આંતરડા માટે અત્યંત ઘાતક છે.
-
કેવી રીતે કરશો ટેસ્ટ: એક પારદર્શક કાચની બોટલ કે ગ્લાસમાં ૫ થી ૧૦ મિલી દૂધ લો. તેમાં તેટલી જ માત્રામાં સાદું પાણી ઉમેરો. હવે આ મિશ્રણને બરાબર હલાવો (Shake કરો).
-
પરિણામ: જો દૂધમાં ડિટર્જન્ટ હશે, તો તેની ઉપર જાડા અને લાંબા સમય સુધી ટકી રહે તેવા ફીણ જામી જશે (જેમ કપડાં ધોતી વખતે થાય છે). જો દૂધ શુદ્ધ હશે, તો હલાવવાથી થતા સામાન્ય પરપોટા થોડી જ વારમાં ગાયબ થઈ જશે.

૪. નકલી એટલે કે ‘સિન્થેટિક દૂધ’ ની ઓળખ
કેમિકલ્સ, સાબુ, સૂર્યમુખી તેલ અને ચૂનો વગેરે ભેગા કરીને બનાવાતું નકલી (સિન્થેટિક) દૂધ સ્વાસ્થ્ય માટે બહુ જ ઝેરી છે. તેને ઓળખવાની ૩ રીતો છે:
૧. સૂંઘીને જુઓ: થોડા દૂધને હળવું ગરમ કરો. અસલી દૂધની સુગંધ મીઠી અને કુદરતી હોય છે, જ્યારે સિન્થેટિક દૂધમાંથી સાબુ કે ડિટર્જન્ટ જેવી તીવ્ર કેમિકલની ગંધ આવે છે.
૨. સ્વાદ પારખો: અસલી દૂધ સ્વાદમાં સહેજ મીઠાશ પડતું હોય છે, જ્યારે નકલી દૂધનો સ્વાદ જીભ પર કડવો અથવા સાબુ જેવો લાગે છે.
૩. ઉકાળીને જુઓ: અસલી દૂધ ઉકાળવાથી સફેદ જ રહે છે, પરંતુ જો સિન્થેટિક દૂધને ઉકાળવામાં આવે તો તે અસાધારણ રીતે બહુ જ જાડું થઈ જાય છે અથવા તેનો રંગ આછો પીળો થઈ જાય છે.
૫. કિડનીને નુકસાન પહોંચાડતા ‘યુરિયા’ ની તપાસ
દૂધમાં રહેલી ફેટ (ચરબી) અને SNF (સોલિડ નોટ ફેટ) નું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવા માટે ખુલ્લા દૂધમાં યુરિયા ખાતર નાખવામાં આવે છે, જે સીધી કિડની ફેલ કરી શકે છે.
-
કેવી રીતે કરશો ટેસ્ટ: એક ટેસ્ટ ટ્યુબ અથવા નાની કાચની શીશીમાં ૫ મિલી દૂધ લો અને તેમાં અડધે સુધી લિટમસ પેપર (Litmus Paper) ડુબાડો.
-
પરિણામ: જો દૂધમાં યુરિયા હશે, તો લિટમસ પેપરનો રંગ બદલાઈને ભૂરો (Blue) થઈ જશે. શુદ્ધ દૂધમાં લિટમસ પેપરના રંગમાં કોઈ ફેરફાર થતો નથી.