નંબર બંધ થવાનો ડર ખતમ! સરળ સ્ટેપ્સથી જૂના ફોનમાંથી નવા ફોનમાં કરો eSIM શિફ્ટ
જ્યારે પણ આપણે નવો ફોન ખરીદીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણા જૂના ફોનમાંથી સિમ કાર્ડ કાઢીને નવા ફોનમાં નાખવાનું વિચારીએ છીએ. જૂના ફિઝિકલ સિમમાં તો કામ ખૂબ જ આસાન હોય છે. બસ એક નાની પિનથી સિમ ટ્રે કાઢી અને નવા ફોનમાં લગાવી દીધી. પરંતુ આજકાલ એપલ આઈફોન, સેમસંગ અને ગૂગલ પિક્સેલ જેવા પ્રીમિયમ સ્માર્ટફોન્સમાં ઈ-સિમ (eSIM) નો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે.
સેફ્ટી અને સુવિધાની દ્રષ્ટિએ ઈ-સિમ ખૂબ જ શાનદાર છે કારણ કે ફોન ચોરાઈ જવા પર કોઈ ચોર તેને કાઢીને ફેંકી શકતો નથી, જેથી ફોનને ટ્રેક કરવો આસાન રહે છે. જો કે, જ્યારે જૂનો ફોન બદલીને નવા ફોનમાં ઈ-સિમ ટ્રાન્સફર કરવાની વાત આવે છે, ત્યારે ઘણા બધા લોકોને સાચી રીત ખબર ન હોવાને કારણે ડર રહે છે કે ક્યાંક તેમનો નંબર બંધ ન થઈ જાય. ચાલો બહુ જ સરળ ભાષામાં સમજીએ કે જિઓ, એરટેલ અને આઈફોન-એન્ડ્રોઈડ યુઝર્સ ઘરે બેઠા ઈ-સિમ કેવી રીતે ટ્રાન્સફર કરી શકે છે.

જિઓ અને એરટેલ યુઝર્સ આ રીતે કરો ઈ-સિમ ટ્રાન્સફર
ભારતમાં એરટેલ અને રિલાયન્સ જિઓ બંનેએ જ ઈ-સિમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને ખૂબ જ આસાન બનાવી દીધી છે:
એરટેલ (Airtel) યુઝર્સ માટે: જો તમે એરટેલ યુઝર છો, તો તમારા નવા ફોનમાં ‘એરટેલ થેંક્સ એપ’ (Airtel Thanks App) ડાઉનલોડ કરીને લોગ-ઈન કરો. ત્યારબાદ ‘અપગ્રેડ ટુ ઈ-સિમ’ ના ઓપ્શન પર જાઓ. ત્યાં તમારા નવા ફોનનો EID નંબર દાખલ કરો, જેના પછી તમારી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક ક્યૂઆર (QR) કોડ આવી જશે. આ કોડ સ્કેન કરતાની સાથે જ નવા ફોનમાં સિમ એક્ટિવ થઈ જશે.
જિઓ (Jio) યુઝર્સ માટે: જિઓ યુઝર્સે પોતાના જૂના ફોનમાંથી એક એસએમએસ મોકલવાનો રહે છે. મેસેજમાં GETESIM લખીને તેની પાછળ તમારા નવા ફોનનો 32 અંકનો EID અને 15 અંકનો IMEI નંબર નોંધીને તેને 199 પર મોકલવાનો રહે છે. આ પછી તમારી પાસે કન્ફર્મેશન મેસેજ અને ઈમેલ પર ક્યૂઆર કોડ કે એક્ટિવેશન કોડ આવી જશે.
(ધ્યાન રાખો: સુરક્ષા કારણોસર બંને નેટવર્ક પર વેરિફિકેશન માટે એક ઓટોમેટિક કોલ આવે છે, જેના પર સહમતિ આપવાના લગભગ બે કલાકની અંદર નવા ફોનમાં નેટવર્ક આવી જાય છે.)
આઈફોન (iPhone) થી આઈફોન અને એન્ડ્રોઈડમાં ટ્રાન્સફર કરવાની રીત
જો તમે જૂના આઈફોનથી નવા આઈફોન પર જઈ રહ્યા છો અથવા તો લેટેસ્ટ એન્ડ્રોઈડ ફોન્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ કામ વધુ સરળ છે.
એપલ પોતાના આઈઓએસ (iOS) માં ‘eSIM Quick Transfer’નું શાનદાર ફિચર આપે છે, જેના માટે ટેલિકોમ કંપનીને મેસેજ મોકલવાની પણ જરૂર પડતી નથી. તમારે બસ તમારા બંને આઈફોનને પાસે રાખવાના છે, બ્લૂટૂથ અને વાઈ-ફાઈ ઓન રાખવાના છે અને બંનેમાં એક જ એપલ આઈડીથી લોગ-ઈન રહેવાનું છે.
ત્યારબાદ નવા આઈફોનની સેટિંગ્સમાં જઈને ‘મોબાઈલ સર્વિસ’ અને પછી ‘એડ ઈ-સિમ’ પર ટેપ કરો. ત્યાં તમને ‘Transfer From Nearby iPhone’ નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતા જ જૂના આઈફોનની સ્ક્રીન પર એક પોપ-અપ આવશે, જેને અપ્રૂવ કરીને અને વેરિફિકેશન કોડ નાખતાની સાથે જ થોડી જ મિનિટોમાં સિમ નવા ફોનમાં આવી જશે. આ જ રીતે ગૂગલે પણ હવે એન્ડ્રોઈડ ફોન્સ માટે ઈ-સિમ ટ્રાન્સફર ટૂલ આપવાનું શરૂ કરી દીધું છે.
ઈ-સિમ ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો
એક ફોનથી બીજા ફોનમાં ઈ-સિમ શિફ્ટ કરતી વખતે કેટલીક નાની-નાની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારો નંબર કેટલાક દિવસો માટે બંધ થઈ શકે છે:
ઉતાવળમાં જૂનો ફોન હટાવવો નહીં: સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે નવા ફોનમાં સિમ ચાલુ થતા પહેલા જ જૂના ફોનમાંથી ઈ-સિમ પ્રોફાઇલ ડિલીટ કરી દે છે અને તેને ફોર્મેટ મારી દે છે. જ્યાં સુધી નવા ફોનમાં નેટવર્કના પૂરા સિગ્નલ ન આવી જાય, ત્યાં સુધી જૂના ફોનને ચાલુ હાલતમાં રાખો કારણ કે વેરિફિકેશનનો OTP અને કોલ તે જ નંબર પર આવે છે.
સ્ટેબલ ઈન્ટરનેટનો ઉપયોગ કરો: જ્યારે તમે નવા ફોનમાં ક્યૂઆર કોડ સ્કેન કરી રહ્યા હોવ, ત્યારે ધ્યાન રાખો કે તમારો નવો ફોન કોઈ સારા અને સ્ટેબલ વાઈ-ફાઈ નેટવર્ક સાથે કનેક્ટ હોય.
24 કલાક માટે બંધ રહે છે SMS સર્વિસ: સુરક્ષા નિયમો હેઠળ ઈ-સિમ ટ્રાન્સફર થયાના તરત બાદના આગામી 24 કલાક માટે તે નંબર પર એસએમએસ (SMS) મોકલવાની અને મેળવવાની સેવા બંધ રહે છે. તેથી UPI કે બેંકિંગ સાથે જોડાયેલું કોઈ પણ જરૂરી લેણ-દેણ હોય, તો તેને સિમ ટ્રાન્સફર કરતા પહેલા જ પતાવી લો.

