અમેરિકામાં હુવાવેને મોટો કાનૂની ફટકો: 12માંથી 10 આરોપોમાં દોષિત, અબજો ડોલરના દંડની શક્યતા
બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં જ્યુરીનો ચુકાદો; વ્યાપારી રહસ્યો ચોરવાના કાવતરાં, બેંક અને વાયર ફ્રોડ તથા પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપોમાં દોષિત ઠરાવાઈ કંપની; સૌથી ગંભીર રેકેટીયરિંગ આરોપમાંથી રાહત
ચીની ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની હુવાવે (Huawei)ને અમેરિકામાં મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિનમાં આવેલી ફેડરલ કોર્ટની જ્યુરીએ હુવાવે અને તેની ત્રણ પેટાકંપનીઓને 12માંથી 10 ફોજદારી આરોપોમાં દોષિત ઠેરવી છે. આ કેસમાં અમેરિકન કંપનીઓના વ્યાપારી રહસ્યો ચોરવાના કાવતરાં, બેંકોને ખોટી માહિતી આપવી, વાયર ફ્રોડ, બેંક ફ્રોડ અને અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન જેવા ગંભીર આરોપો સામેલ હતા. ચુકાદા બાદ કંપનીને ભારે નાણાકીય દંડ, સંપત્તિ જપ્તી અને નુકસાનીની ભરપાઈનો સામનો કરવો પડી શકે છે. જોકે, અંતિમ દંડ કેટલો હશે તે હજી નક્કી થયું નથી.
24 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલા આ ચુકાદામાં જ્યુરીએ કંપનીને સૌથી ગંભીર ગણાતા રેકેટીયરિંગના આરોપમાંથી મુક્ત કરી હતી. ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના કાવતરાના આરોપમાં પણ કંપનીને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી. હુવાવેના વકીલોએ આ રાહતને મહત્વપૂર્ણ ગણાવી છે. કંપનીએ બાકીના દોષિત ઠરાવાયેલા આરોપો સામે અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.

અમેરિકન કંપનીઓની ટેક્નોલોજી ચોરવાના આરોપો
અમેરિકી તપાસકર્તાઓનો આરોપ હતો કે હુવાવેએ પોતાની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે હરીફ કંપનીઓની ગુપ્ત ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપત્તિ મેળવવા ગેરકાયદેસર રીતો અપનાવી હતી. કેસમાં T-Mobile, Cisco Systems, Motorola, Quintel અને અન્ય કંપનીઓની ટેક્નોલોજી સંબંધિત વિગતોનો ઉલ્લેખ થયો હતો.
અભિયોજકોના જણાવ્યા મુજબ, હુવાવે પર રાઉટરનો સોર્સ કોડ, ટેક્નિકલ મેન્યુઅલ, એન્ટેના ટેક્નોલોજી અને રોબોટ પરીક્ષણ સંબંધિત માહિતી મેળવવાનો આરોપ હતો. T-Mobileના ટચસ્ક્રીન પરીક્ષણ માટે વપરાતા ‘Tappy’ નામના રોબોટ અંગે પણ કેસમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપ મુજબ, કંપનીએ આ ટેક્નોલોજીનો અભ્યાસ કરવા માટે કરાર કર્યો હતો, પરંતુ બાદમાં તેના ગુપ્ત પાસાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બીજા એક કિસ્સામાં, અમેરિકન એન્ટેના કંપની Quintel પાસેથી ગુપ્ત માહિતી મેળવ્યા બાદ હુવાવે દ્વારા તે ટેક્નોલોજી સાથે સંબંધિત પેટન્ટ અરજી કરવામાં આવી હોવાનો આરોપ હતો. આ ઉપરાંત, ટ્રેડ શો દરમિયાન હરીફ કંપનીના ઉપકરણોની ગુપ્ત તસવીરો પાડવા અને અન્ય કંપનીઓના ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરવા અંગે પણ દલીલો થઈ હતી.
બેંક ફ્રોડ અને ઈરાન સાથેના વ્યવસાય અંગે વિવાદ
આ કેસ માત્ર ટેક્નોલોજી ચોરી પૂરતો મર્યાદિત નહોતો. અમેરિકી સરકારના આરોપ મુજબ, હુવાવેએ ઈરાનમાં પોતાના વ્યવસાયિક સંબંધો અંગે બેંકો અને અમેરિકી અધિકારીઓને ખોટી માહિતી આપી હતી. કંપનીએ Skycom નામની સંસ્થા સાથેના સંબંધો અને ઈરાનમાં વ્યવસાયની વિગતો છુપાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે બેંકો પાસેથી નાણાકીય સેવાઓ અને ધિરાણ મેળવવામાં આવ્યું હોવાનો આરોપ હતો.
જ્યુરીએ બેંક ફ્રોડ, વાયર ફ્રોડ, પ્રતિબંધોના ઉલ્લંઘન અને મની લોન્ડરિંગના કાવતરાં સહિતના આરોપોમાં દોષિત ઠરાવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું છે કે સજા સમયે કંપની સામે ગુનાહિત દંડ, સંપત્તિ જપ્તી અને વળતર જેવા નાણાકીય પગલાં લેવામાં આવી શકે છે.

હુવાવે અપીલ કરશે; સજા 2027માં નક્કી થશે
હુવાવેના વકીલોએ ચુકાદા બાદ જણાવ્યું કે કંપની આરોપોથી નિરાશ છે, પરંતુ રેકેટીયરિંગના આરોપમાંથી મુક્તિ મળવી મહત્વપૂર્ણ છે. કંપનીનો દાવો છે કે સરકાર દ્વારા રજૂ કરાયેલી વાર્તામાં કેટલાક કર્મચારીઓના કથિત વર્તનને સમગ્ર સંસ્થાની નીતિ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. હુવાવે પોતે કાયદાનું પાલન કરતી હોવાનું કહે છે અને ચુકાદા સામે અપીલ કરશે.
અમેરિકાના ન્યાય વિભાગે આ ચુકાદાને કાયદાના અમલ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુ.એસ. એટર્ની જોસેફ નોસેલા જુનિયરે કહ્યું કે કોઈ વ્યક્તિ કે કંપની કાયદાથી ઉપર નથી.
