પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ: પૂર્વ ઓલરાઉન્ડર ઇમાદ વાસીમ પર પૂર્વ પત્નીનો ગંભીર આરોપ; “ગર્ભપાત અને દગાખોરી” મુદ્દે તપાસની માંગ
પાકિસ્તાન ક્રિકેટ જગત ફરી એકવાર મેદાનની બહારના વિવાદોને કારણે ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. પાકિસ્તાન ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઇમાદ વાસીમ પર તેમની પૂર્વ પત્ની સનિયા અશફાકે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સનિયાએ ઇમાદ પર બળજબરીથી ગર્ભપાત કરાવવાનો અને વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવીને પાકિસ્તાની સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર વિવાદની જ્વાળા ભભૂકી ઉઠી છે.
ચોંકાવનારો ઘટસ્ફોટ: “ડિસેમ્બર 2023ની એ કાળી રાત”
સનિયા અશફાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આપવીતી જણાવતા દાવો કર્યો છે કે, ડિસેમ્બર 2023માં લાહોર મુકામે ઇમાદ વાસીમે તેની મરજી વિરુદ્ધ જઈને તેની બાળકીનો ગર્ભપાત કરાવ્યો હતો. સનિયાએ આ ઘટનાને “હત્યા” ગણાવી છે. તેણે ગંભીરતાપૂર્વક જણાવ્યું કે, “ઇમાદ એક હત્યારો છે અને તેની પાસે આ સમગ્ર પ્રક્રિયાના વિડિયો પુરાવાઓ પણ મોજૂદ છે.”
સનિયાના જણાવ્યા અનુસાર, લાહોરમાં આ કથિત પ્રક્રિયા દરમિયાન તે સંપૂર્ણપણે એકલી હતી અને તેની પાસે કોઈનો ટેકો નહોતો. જ્યારે તેણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇમાદ અને તેની આસપાસના લોકો દ્વારા તેની અવાજ દબાવી દેવા માટે નકારાત્મક અભિયાન (નેગેટિવ પીઆર) ચલાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
પીસીબી અને વડાપ્રધાન પાસે ન્યાયની માંગ
આ મામલો માત્ર કૌટુંબિક વિવાદ સુધી મર્યાદિત રહ્યો નથી. સનિયા અશફાકે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસિન નકવી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેણે માંગ કરી છે કે એક સેલિબ્રિટી ક્રિકેટર હોવાને નાતે ઇમાદને કાયદાથી ઉપર ન ગણવો જોઈએ.
પીએસએલ (PSL) અને ઇસ્લામાબાદ યુનાઇટેડ પર પ્રહાર
સનિયાએ પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં ઇમાદ વાસીમની પસંદગી મુદ્દે પણ ફ્રેન્ચાઇઝી ‘ઇસ્લામાબાદ યુનાઇટેડ’ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે લખ્યું કે, “ઇસ્લામાબાદ યુનાઇટેડે એક દગાખોર અને હત્યારાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સમાજમાં આવા વ્યક્તિઓને છૂટા રખાય તે યોગ્ય નથી.” આ ટિપ્પણી બાદ પીએસએલના ચાહકોમાં પણ બે પક્ષો પડી ગયા છે.
View this post on Instagram
ઇમાદ વાસીમનું મૌન અને સંભવિત અસરો
આટલા ગંભીર આક્ષેપો છતાં, ઇમાદ વાસીમ અથવા તેના કાયદાકીય પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, પાકિસ્તાની મીડિયામાં આ કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો આ દાવાઓ સાબિત થાય છે, તો ઇમાદની ક્રિકેટ કારકિર્દી પર કાયમી પૂર્ણવિરામ મુકાઈ શકે છે અને તેણે જેલવાસ પણ ભોગવવો પડી શકે છે.
