પાટણના સરસ્વતી તાલુકાના અમરપુરા ગામે કૌટુંબિક ઝઘડાએ મોટું સ્વરુપ ધારણ કરી લીધું હતું. કાકાએ ભત્રીજા પર હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે કાકા સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે. ભત્રીજા સમીર દાઉવા અને તેની પત્ની પર હુમલો કરવાના આરોપસર કાકા યાકુબ નૂર મહંમદ દાઉવા અને કાકી ફાતમાં યાકુબ દાઉવા સામે જાનથી મારી નાંખવાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમરપુરા ગામના રહીશ અને ખેતી કામ કરતા 26 વર્ષીય સમીર દાઉવાએ નોંધાવેલા ફરિયાદમાં જણાવ્યું છે એકાદ વર્ષ અગાઉ મારા લગ્ન થયેલા છે,અને સંતાનમાં કોઇ બાળક નથી. ચાર ભાઇ બહેન સાથે રહીએ છીએ જેમાં સૌથી મોટી બહેન મશીરા છે અને તેનાથી નાનો મિન્હાજ છે અને તેનાથી નાનો ઇકરામ અને સૌથી નાનો હું છુ. મારી પત્નીનું નામ હિનાબેન છે.
સમીર દાઉવાએ નોંધાવેલા ફરિયાદમાં જણાવ્યું છે 05/09/2005 ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે હું તથા મારી માતા હસીનાબેન અમારા ઘરે ખલકાપુરા વાસમાં આવેલા મકાને હાજર હતા અને હું તથા મારી પત્ની બંને ઘરમાં સુતેલ હતા તે દરમિયાન કાઈટા ખાતે મકાન રાખીને રહેતા મારા કાકા યાકુબ નુરમહંમદભાઇ દાઉવા તથા મારી કાકી ફાતમાબેન યાકુબભાઇ દાઉવા અમારા ઘરે આવ્યા હતા. હું સુતેલા તો ત્યારે યાકુબ દાઉવાએ મને પેટ ઉપર લાત મારી મા બેન સમી ભુંડી ગાળો બોલી હતી અને કહ્યું હતું કે તારા ઘરના બીજા સભ્યો ક્યાં છે તેમ કહેતાં મેં કહેલું કે તમો કેમ અમારી સાથે ઝઘડો કરો છો, બાદમાં ઉશ્કેરાઇ જઈ યાકુબ દાઉવાએ હાથમાં રહેલી લાકડી મને મારા પેટ ઉપર મારેલી અને મારા કાકી ફાતમાબેને મને ગડદા પાટુનો માર માર્યો હતો. અમોએ બુમાબુમ કરતાં મારી માતા હસીનાબેન આવી ગયેલા અને મારી માતાએ મારા પિતાને ફોન કરતાં મારા પિતા આવી જઇ મને વધુ મારમાંથી બચાવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ યાકુબ દાઉવા જતાં જતાં કહેતા ગયા હતા કે હાલમાં તો તમે બધા બચી ગયા છો પણ લાગ આવેથી તમોને જાનથી મારી નાંખીશું. યાકુબ દાઉવા દ્વારા થયેલા હુમલાથી ગભરાયેલા સમીરે આખરે પોલીસનું શરણું લીધું હતું. પોલીસે આરોપીએ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115(2), 296-(b),351(3) અને 54 હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. હાલ આરોપી ફરાર વધુ તપાસ વાગડોદ પોલીસ સ્ટેશનનાં વુમન હેટ કોન્સ્ટેબલ અરૂણાબેન ખેંગારભાઇ કરી રહ્યા છે.