ભારતના પાડોશી દેશ માટે જેકપોટ: શ્રીલંકાના દરિયાકાંઠે મળ્યો કુદરતી ગેસ અને તેલનો અખૂટ ભંડાર
વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે ભારતના પાડોશી દેશ શ્રીલંકા માટે સારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, શ્રીલંકાના દરિયાઈ વિસ્તારમાં અબજો ડોલરની કિંમતના તેલ અને ગેસના વિશાળ ભંડાર હોવાનું જાણવા મળ્યું છે. સિસ્મિક ડેટા અને બેસિન મોડેલિંગના આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ શોધ શ્રીલંકાના આર્થિક ચિત્રને સંપૂર્ણપણે બદલી શકે છે. ખાસ વાત એ છે કે આ દેશ પાકિસ્તાન કે બાંગ્લાદેશ નથી, પરંતુ દરિયાઈ સીમા ધરાવતું શ્રીલંકા છે.
પેટ્રોલિયમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન સાલિયા વિક્રમસૂર્યાના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ) અને પ્રાદેશિક જળ સીમામાં આશરે ૩ ટ્રિલિયન ક્યુબિક ફીટ કુદરતી ગેસ અને અબજો બેરલ ક્રૂડ ઓઈલ હોવાની શક્યતા છે. જો આ ભંડારનું સફળતાપૂર્વક નિષ્કર્ષણ કરવામાં આવે, તો તે માત્ર શ્રીલંકા માટે જ નહીં, પરંતુ ભારત જેવા પાડોશી દેશો માટે પણ સસ્તા દરે ઈંધણ મેળવવાનો માર્ગ મોકળો કરશે.
ઉપયોગ ક્યારે શરૂ થશે?
જોકે આ સમાચાર ઉત્સાહજનક છે, પરંતુ તેનું વ્યાપારી ઉત્પાદન તાત્કાલિક શરૂ થવાની શક્યતા નથી. હાલમાં આ પ્રક્રિયા ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. રોકાણકારોને આકર્ષવા અને એક્સપ્લોરેશન લાઇસન્સ ઇસ્યુ કરવાની કામગીરી હજુ ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જમીન નીચેથી વાસ્તવિક તેલ અને ગેસ બહાર કાઢતા હજુ થોડો સમય લાગશે, કારણ કે તે માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સેટઅપમાં વર્ષોનો સમય લાગે છે.
નવું નિયમનકારી માળખું અને વૈશ્વિક રસ
શ્રીલંકા સરકારે આ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે ‘પેટ્રોલિયમ રિસોર્સિસ એક્ટ-2021’ લાગુ કર્યો છે. આ નવા કાયદા હેઠળ ઓપન લાઇસન્સિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. દરિયાઈ બ્લોક્સને નાના ભાગોમાં વહેંચવામાં આવ્યા છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય ઉર્જા કંપનીઓ સરળતાથી ભાગ લઈ શકે. પેટ્રોલિયમ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, ભારત સહિત વિશ્વની ઘણી મોટી કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે આશાનું કિરણ
વર્તમાન સમયમાં જ્યારે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને ઉર્જા સંકટ ઉભું થયું છે, ત્યારે શ્રીલંકાની આ શોધ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત જેવા દેશો જે મોટાભાગે આયાતી તેલ પર નિર્ભર છે, તેમના માટે પાડોશમાં જ આવા ભંડાર હોવા એ વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ મોટી ઉપલબ્ધિ સાબિત થઈ શકે છે.

