“રશિયા એ એવો ભાગીદાર છે, જે સમયની કસોટી પર ખરો ઉતર્યો છે” – વિદેશ મંત્રાલયનો સંદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સામે દંડ લાદવાની ધમકી આપ્યા પછી, વિદેશ મંત્રાલયે ભારતમાં-રશિયા સંબંધો અંગે સ્પષ્ટતા આપી છે. 1 ઓગસ્ટ 2025ના રોજ પત્રકારો સાથેની બેઠક દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે “રશિયા એ એવો ભાગીદાર છે, જે સમયની કસોટી પર ખરો ઉતર્યો છે.”
તેમણે ઉમેર્યું કે ભારતના સંબંધો અન્ય દેશો સાથે તેમની પોતાની શરતો પર આધારીત છે અને તેને કોઈ ત્રીજા દેશના દ્રષ્ટિકોણથી જોવો યોગ્ય નથી.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતની સંરક્ષણ જરૂરિયાતો સંપૂર્ણપણે રાષ્ટ્રીય સુરક્ષા હિતો અને વ્યૂહાત્મક મૂલ્યાંકન પર આધારિત છે. રણધીર જયસ્વાલે જણાવ્યુ કે ભારત અને રશિયા વચ્ચેનો સહયોગ દ્રઢ અને વર્ષો જૂનો છે, જેને માત્ર તાત્કાલિક રાજકીય દબાણોથી તોડી શકાતો નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં મરેલું અર્થતંત્ર હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના જવાબમાં જયસ્વાલે કહ્યું કે ભારત-અમેરિકા ભાગીદારી મજબૂત લોકશાહી મૂલ્યો અને વ્યૂહાત્મક હિતો પર આધારિત છે. તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના સંબંધો કેટલાક પડકારો છતાં આગળ વધતા રહ્યા છે અને આગામી સમયમાં પણ તે સુધરશે.
રશિયન તેલ સપ્લાય બંધ થવાના અહેવાલો અંગે જયસ્વાલે જણાવ્યું કે “ઊર્જા સુરક્ષા ભારત માટે મહત્વની છે. બજારમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અમે નીતિ નક્કી કરીએ છીએ.” તેમણે સાથે જ કહ્યું કે “અમને કોઈ ચોક્કસ બાબત અંગે જાણ નથી.”
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર છે, અને યુદ્ધ પહેલા જેનો હિસ્સો 0.2% હતો, તે હવે 35-40% સુધી પહોંચી ગયો છે.
ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવાની વ્હાઇટ હાઉસ તરફથી થયેલી માંગણી વિશે પ્રશ્ન કરતા, વિદેશ મંત્રાલયે કહ્યું કે “આ મુદ્દે વ્હાઇટ હાઉસે પોતે જ પ્રતિસાદ આપવો જોઈએ.”