અગ્નિપથ યોજનાના વિરોધ છતાં દેશના સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વડાએ સ્પષ્ટ કર્યું છે કે યોજનાને કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં આવશે નહીં. આટલું જ નહીં,તોફાનોમાં સામેલ યુવકોને ભરતીમાં લાભ આપવામાં આવશે નહીં.
કેન્દ્રની ‘અગ્નિપથ’ સૈન્ય ભરતી યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે સોમવારે 20 જૂને ભારત બંધનું એલાન કર્યું છે.
ઝારખંડમાં સોમવારે તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનું એલાન અપાયું છે. બિહારમાં સરકારે એલર્ટ જાહેર કરીને અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે. જ્યારે, કેરળ પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અથવા હિંસા કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી માટે ભારે પોલીસ દળ તૈનાત રાખવાનો આદેશ જારી કર્યો છે.
દેશના ત્રણેય સૈન્યના વડા સાથે બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટતા કરી છે કે, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, આ યોજના હેઠળ તમામ ભરતી પ્રક્રિયા ચાલુ રખાશે અને આ જ માધ્યમથી સૈન્યમાં આગામી ભરતી થશે. સૈન્ય મામલાના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યને આ યોજનાની સખત જરૂર છે. ભવિષ્યમાં ત્રણેય સૈન્યમાં અધિકારી રેન્કથી નીચેની તમામ ભરતી અગ્નિપથ યોજના હેઠળ જ થશે.