સરકારની અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને બિહારના કૈમુરમાં યુવકોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જો કે, પોલીસ અને પ્રશાસને સતર્કતા દાખવી તરતજ આગને કાબુમાં લીધી હતી અન્યથા મોટી ઘટના બની શકી હોત.
દેખાવકારોએ આરા રેલ્વે સ્ટેશનમાં તોડફોડ કરી હતી. અહીં હાજર રેલ્વે ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.
ગુરુગ્રામ અને જયપુરમાં પણ પ્રદર્શન થઈ રહયા છે.
વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીએ કહ્યું કે માત્ર 4 વર્ષ કામ કરીને અમે ક્યાં જઈશું? અમે 4 વર્ષની સેવા પછી બેઘર થઈ જઈશું. એટલા માટે અમે રસ્તા રોક્યા છે, દેશના નેતાઓને હવે ખબર પડશે કે લોકો જાગૃત છે.
સેનાની ભરતીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા રાજ્યોમાં વિરોધ ઉગ્ર બન્યો છે. વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. તે જ સમયે, યુવાનોએ હરિયાણામાં ગુરુગ્રામ-જયપુર હાઈવે પણ બ્લોક કરી દીધો છે. ઘણી જગ્યાએ યુવાનોએ રેલ્વે ટ્રેક પર ઉતરીને ટ્રેનની અવરજવર અટકાવી દીધી છે. બિહારના ઘણા સ્ટેશનો પર ટ્રેન પર પથ્થરમારો કરવાના અહેવાલો સામે આવ્યા છે.