ગૃહમંત્રી અમિત શાહ હાલ મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકી જણાવ્યું કે જે લોકો પોલિટિક્સમાં દગો કરે છે તેમને પાઠ ભણાવવાની જરૂર છે.
શાહે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે, જે આપણી સાથે છે.
શિવસેનામાં તૂટ એક વ્યક્તિની લાલચને કારણે જ થઈ છે કારણકે સત્તા માટે ઉદ્ધવે હિન્દુત્વની વિચારધારા સાથે સમજૂતી કરી લીધી તે તેઓને નડયું છે.
અમિત શાહે ઉમેર્યુ કે મેં ઉદ્ધવ ઠાકરેને ક્યારેય મુખ્યમંત્રી બનાવવાનો વાયદો નથી કર્યો,અમે બંધ રૂમમાં નહીં, છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. જો અમે નિવેદન આપ્યું હોત જરૂરથી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવત.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી ભાજપ અને શિવસેનાએ મળીને લડી હતી. 288 સીટ પર થયેલી ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 55 સીટ મળી હતી. ચૂંટણી પછી શિવસેનાએ અઢી-અઢી વર્ષ માટે CM બનાવવાની માગ રાખી હતી.
શિવસેનાનું કહેવું હતું કે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ મુદ્દે ચૂંટણી પૂર્વે સહમતી બની હતી.
અંતે શિવસેનાની આ માગ પર ભાજપ તૈયાર ન થઈ, એ બાદ શિવસેનાએ કોંગ્રેસ અને NCPની સાથે મળીને સરકાર બનાવવી પડી હતી.
દરમિયાન મહારાષ્ટ્રમાં 20 જૂને એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 20 ધારાસભ્યે બળવો કર્યો ત્યારબાદ 39 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપતા ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને
30 જૂને ભાજપના સહયોગથી શિંદેએ મુખ્યમંત્રીપદ તરીકેના શપથ લીધા. શિવસેનાનો વિવાદ હાલ સુપ્રીમ કોર્ટમાં છે.