ભારત માં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 31 હજાર 878 કોરોના ના કેસ નોંધાયા છે, અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે,તેમજ સંક્રમણને કારણે 802 લોકોનાં મોત થયા છે.તા. 17 ઓક્ટોબર પછી આ પહેલીવાર એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયાં છે. 17 ઓક્ટોબરે 1032 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
કોરોના સંક્રમણ માં હવે ભારત પણ અમેરિકા ની આગળ નીકળી રહ્યું છે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેસો ખૂબ જ ઝડપથી ઘટવા માંડ્યા હતા, પછી અચાનક ઓક્ટોબરથી એ વધવા લાગ્યા અને ડિસેમ્બરમાં એક મહિનામાં રેકોર્ડ 63.45 લાખ દર્દી મળી આવ્યા હતા.
અમેરિકામાં કોરોનાની પહેલી પીક 24 જુલાઈએ આવી હતી, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ 80 હજાર કેસ નોંધાયા હતા, પરંતુ બીજી પીકમાં આ બધા રેકોર્ડ તૂટી ગયા હતા. 7 નવેમ્બરથી અહીં દરરોજ એક લાખથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા હતા. 8મી જાન્યુઆરીએ અહીં રેકોર્ડ 3 લાખ 9 હજાર લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.
ભારતમાં પણ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણા ઓછા કેસો હતા પણ માર્ચ થી સંક્રમણ વધવા માંડ્યું હવે દરરોજ એક લાખથી વધુ દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં કોરોનાની પ્રથમ પીકમાં એક જ દિવસમાં સૌથી વધુ 97 હજાર લોકો પોઝિટિવ નોંધાયા હતા. આંકડા દર્શાવે છે કે હવે અમેરિકા કરતાં પણ ભારતમાં સ્થિતિ વધુ વણસી રહી છે.