આખરે ફરી એકવાર રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળવા માટે રાજી થઈ જતા સોનિયા ગાંધી ના જીવ માં જીવ આવ્યો છે. શનિવારના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નવા અધ્યક્ષને લઈને બેઠક થઈ હતી. આમાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સભ્ય તેમજ પદાધિકારી હાજર હતા.
સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર લગભગ 5 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠકમાં તમામ નેતાઓએ પોત-પોતાની વાત રાખી. બેઠકમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ સંભાળવાની માંગ ઊઠી હતી.અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટી જે જવાબદારી આપશે તે નીભાવવા માટે તેઓ તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં કે. સુરેશ, અબ્દુલ ખાલિક, ગૌરવ ગોગોઈ અને કેટલાક અન્ય સાંસદોએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો કે તેઓ ફરીથી પાર્ટીની કમાન સંભાળે પરિણામે ઘી ના ઠામ માં ઘી ઠળી ગયું હતું. કોંગ્રેસ માં ગાંધી પરિવાર નો જ સદસ્ય અધ્યક્ષ હોઈ શકે અને જો તેનો કોઈ વિરોધ કરવા જાય તો ઘર ભેગો થાય તેવી માન્યતા પ્રવર્તી રહી છે.
