કોરોના ની સ્થિતિ વકરતા સંઘપ્રદેશ દમણ અને દાનહના તમામ બિયર બાર 25 માર્ચે બંધ કરી દેવાયા હતા અને હવે છ મહિના પછી ગાઇડ લાઇન ની મર્યાદા માં રહી બાર ખોલવાની પરવાનગી આપતા દારૂ અને ખાવા પીવા ના શીખીનો માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. બુધવાર તા. 7 ઓક્ટોબરથી સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી બાર ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
સંઘપ્રદેશના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના સેક્રેટરી એમ. મુથમ્માએ એક નિવેદન માં જણાવ્યું છેકે, એસઓપીની ગાઇડ લાઇન મુજબ બુધવારથી દમણ અને સેલવાસના તમામ બાર સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને લઇને ગત 25મી માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરતાની સાથે જ બાર એન્ડ રેસ્ટોરન્ટ પણ બંધ થઇ ગયા હતા.
જોકે, અનલોક 1માં વાઇનશોપ ખોલવાની મંજૂરી મળી હતી. આ ઉપરાંત પ્રશાસને સ્પોટર્સ કોમ્પલેક્સ, સ્પા, મનોરંજન, સાંસ્કૃતિક, સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોને 100ની સંખ્યામાં મંજૂરી મળી છે. છેલ્લા 6 માસથી બાર બંધ રહેવાના કારણે સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ ગુમાવવા પડ્યો હતો. જોકે બાર ખોલવાની પરવાનગી આપતા 6 માસથી બેકાર બેસેલા સ્ટાફ અને વેઈટર્સને પણ રોજગારી મળશે.
સંઘપ્રદેશ દમણ અને દાનહમાં દારૂની છૂટ હોવાના કારણે મોટી સંખ્યામાં ગુજરાતથી પ્રવાસીઓ આ પ્રદેશમાં આવતા હોય છે. લોકડાઉન બાદ બુધવારથી અંદાજે 6 માસથી વધુ સમય પછી દમણના 85 અને દાનહના 182 બાર એન્ડ રેસ્ટોરન્ટના તાળાં ખુલશે. બારને ખોલવાની પરવાનગી અપાતા જ બંને પ્રદેશમાં પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. અનલોક 1માં વાઈન શોપ શરૂ કર્યા બાદ હોટલ સંચાલકોએ પણ બાર ખોલવાની માગ કરતા હવે દારૂના શોખીનો જમતા જમતા દારૂની ચૂસકીઓ માણી શકશે અને દિવાળી પર્વ અગાઉ લેવાયેલા નિર્ણય ને લઈ શોખીનો માં ભારે આનન્દ ની લાગણી વ્યાપી ગઈ હતી.
