સરકાર ના નવા કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો નું આંદોલન આગળ વધતું જઈ રહ્યું છે અને રોજ નવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે તમામ ખેડૂત સંગઠનના નેતાઓ ૯ કલાકની ભૂખ હડતાળમાં જોડાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સોમવારે ખેડૂતોની સાથે ઉપવાસમાં જોડાવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે ૧૮મા દિવસે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના દેખાવો ચાલુ રહ્યા છે. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ ૧૪મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર ખાતે ખેડૂત નેતા ગુરનામસિંહ ચડુનીએ જણાવ્યું હતું કે, સોમવારે દેશના દરેક જિલ્લાના મુખ્યમથકો ખાતે ખેડૂતો દ્વારા ધરણા કરાશે. દિલ્હીની તમામ સરહદ પર આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોના નેતાઓ સવારના ૮થી સાંજના પાંચ સુધી ભૂખ હડતાળમાં જોડાશે. આમ આજે 19 માં દિવસે ભૂખ હડતાળ કરી ખેડૂતો આંદોલન કરશે.
