આજે તા.7 જાન્યુઆરીએ ખેડૂતો શક્તિ પ્રદર્શન કરશે, ખેડૂતોનું આંદોલન 42મા દિવસે પ્રવેશી ચૂક્યું છે અને અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે 8 વખત ની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે, હવે આવતી કાલે તા. 8 જાન્યુઆરી ના રોજ ફરી વાટાઘાટો થશે.
જોકે, ખેડૂતો પોતાની માંગ ઉપર મક્કમ છે અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર અડગ છે. સરકારે ઘણી વાર MSP ચાલુ રાખવાની ખાતરી આપી છે, પરંતુ ખેડૂતો તેને સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતોની એક જ માંગ એ છે કે નવા કૃષિ કાયદાને રદ કરી નાખવામાં આવે.
આજે 7 મી જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા ગાજીપુર બોર્ડરથી પલવાલ સુધી નીકળશે.
આ ટ્રેક્ટર યાત્રા ઈસ્ટર્ન પેરિફેરલ રોડ થઈ દુહા, દસના બીલ અકબરપુર, સિરસા થઈને પલવાલ જશે અને ત્યાંથી પરત આવશે. આ સમય દરમિયાન, બિલ અકબરપુર અને સિરસા કટથી પલવાલ તરફ જતા વાહનો પેરિફેરલ રસ્તે સવારે 12:00 થી બપોરે 3:00 વાગ્યે સુધી જઇ શકશે નહીં, તેઓને ડાયવર્ટ કરવામાં આવશે. તેવી જ રીતે સિરસા કટ અને બીલ અકબરપુરથી સોનીપત તરફ જતા વાહનો બપોરે 2:00 થી સાંજના 5:00 સુધી પેરિફેરલ રસ્તે જઇ શકશે નહીં, તેઓને ડાયવર્ટ કરવામાં આવશે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો 8 મી જાન્યુઆરીએ મળેલી બેઠકમાં કૃષિ કાયદો રદ કરવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો 9 જાન્યુઆરીએ કૃષિ કાયદાની નકલો સળગાવવા માં આવશે અને 9 જાન્યુઆરીથી હરિયાણામાં ખેડૂત સંગઠનો ઘરે ઘરે જઈને લોકો સાથે સંપર્ક અભિયાન શરૂ કરી આંદોલન આગળ વધારશે.
