આજે ગુરુવારે હિન્દુ સંગઠનોએ રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. આ હત્યાના વિરોધમાં ગુરુવારે બજારો બંધ રહેશે.
બંધ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ બજારો અને સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NIA હવે ઉદયપુર હત્યા કેસની તપાસ કરી રહી છે. ગુરુવારે પણ NIA અને SIT આરોપીઓની પૂછપરછ કરશે. ગુરુવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ, ડીજીપી એમએલ લાથેર ઉદયપુર આવશે અને કન્હૈયાલાલના પરિવારને મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએમ અશોક ગેહલોતે મૃતક કન્હૈયાલાલના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે કન્હૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.સીએમ ગુરુવારે ઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બપોરે 12 વાગ્યે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરશે.
સર્વ સમાજે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ગુરુવારે વિશાળ રેલી કાઢવાનું નક્કી કર્યું છે. રેલીમાં તમામ સમાજના પ્રતિનિધિઓ અને લોકો ભાગ લેશે. 9.30 વાગ્યે ટાઉન હોલથી નીકળી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચશે.