નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોનાના સંકટકાળ દરમિયાન દેશમાં રોજગારીની તકો વધારવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી હતી જેને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. ચાલુ નાણાંકીય વર્ષે આત્મનિર્ભર ભારત રોજગાર પાછળ 1584 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વર્ષ 2020થી 2023 સુધી યોજનાના સમયગાળા દરમિયાન આત્મનિર્ભર ભારત રોજગાર પાછળ કુલ 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી 58.5 લાખ કર્મચારીઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની આજની બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
મંત્રીમંડળે તે ઉપરાંત દેશમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ (પીએમ-વાણી)ને પણ મંજૂરી આપી છે. તે હેઠળ દેશમાં પબ્લિક ડેટા ઓફિસ ખોલવામાં આવશે. તેની માટે લાઇસન્સ, રજિસ્ટ્રેશન કે ફી ફરવાની આવશ્યકતા રહેશે નહીં. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળે કોચી અને લક્ષદ્વીપની વચ્ચે સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક સ્થાપિત કરવાના પ્રસ્તાવને પણ મંજરી આપી દીધી છે.