ગાંધીનગરઃ કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ વધીને 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે જેના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇંધણ પરના ટેક્સ કે ભાવને ઘટાડવાનો મોદી સરકારે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને રાજ્યોને તેમના વેટ- ટેક્સ ઘટાડવા જણાવ્યુ છે. આવી પરિસ્થિતિમાં તમિલનાડુ રાજ્ય સરકારે પોતાના નાગરિકોને રાહત આપવા માટે આજે એક જ ઝાટકે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર દીઠ 3 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ ઘટાડાથી તમિલનાડુ સરકારને એક વર્ષમાં 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે. શું ગુજરાતની સંવદેનશીલ રૂપાણી સરકાર ગુજરાતના લોકોને ક્યારે આપશે તે જોવાનું રહ્યુ….
હવે એવુ કહેવાય છે કે, તમિલનાડૂ બાદ અન્ય રાજ્યમાં પેટ્રોલ પર ટેક્સ ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે. કારણ કે એપ્રિલ 2020થી લઈને અત્યાર સુધીમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 32.25 રૂપિયા પ્રતિ લિટર વધી ચુક્યા છે. અહીં 69.59 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 101.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. તો વળી આ દરમિયાન ડીઝલના બાવ 27.58 રૂપિયા પ્રતિ લીટર વધ્યા છે. કિંમત 62.29 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે મે 2021 બાદથી કિંમતોમાં સતત વધારો નોંધાયો છે. મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ તોડી રહી છે. 3 મેથી કિંમતોમાં વધારામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડૂ, કેરલ, બિહાર અને પંજાબ સહિત 15 રાજ્યોમાં મોટા ભાગના સ્થળે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પ્રતિ લિટર થયા હતા.