ઉત્તરાખંડના રાજકારણમાં અફરાતફરી ચાલી રહી છે. હાલના મુખ્યમંત્રી તીરથ સિહેં આજે શુક્રવારે રાજ્યના સીએમ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. સુત્રોના મતાનુસાર તેમણે આ મામલે બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામું આપવાની રજૂઆત કરી છે. આ પાછળનું કારણ સંવૈધાનિક સંકટ ગણાવ્યુ છે. રાજ્યના રાજકારણ વચ્ચે રાવતે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તો દેહરાદૂનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે રાવતને રાજીનામાં અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સેવ્યુ હતુ.
તીરથ સિંહ રાવતે પત્રમાં લખ્યુ છે કે આર્ટિકલ-164-એ મુજબ તેમને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવાનું હતુ. પરંતુ આર્ટિકલ-151 કહે છે કે જો વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય રહ્યો હોય તો ત્યાં તમે પેટાચૂંટણી યોજી શકતા નથી. ઉત્તરાખંડમાં કાયદાકીય સંકટ ઉભુ ન થાય તે માટે હું રાજીનામું આપવા ઇચ્છુ છે.
તિરથ સિંહ રાવતનાં રાજીનામા અંગે અટકળો એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે પોતાના પદ પર રહેવા માટે તેમણે 10મી સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી છે, જે બંધારણીય જવાબદારી છે. રાવત હાલમાં પૌરી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ત્રિવેન્દ્રસિંહ રાવતને હટાવ્યા પછી 10 માર્ચે તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં એવી અટકળો ચાલી રહી છે કે રાવત ગઢવાલ ક્ષેત્રની ગંગોત્રી બેઠક પરથી પેટા ચૂંટણી લડી શકે છે. રાજ્યની બે વિધાનસભા બેઠકો ગંગોત્રી અને હલ્દવાની ખાલી છે. જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેથી પેટા-ચૂંટણીઓ યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ પર નિર્ભર છે.