દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા બદલ ઓલ્ટ ન્યૂઝના વડા મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરતા રાહુલ ગાંધી સહિત TMC સાંસદ મહુઆ મોઇત્રા અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ધરપકડનો વિરોધ કરી સવાલ ઉઠાવ્યા છે.
ઝુબેર હાલ દિલ્હી પોલીસના રિમાન્ડ પર છે. તેને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ ઝુબેરની ધરપકડનો વિરોધ કરી નિવેદન આપી ચૂક્યા છે.
દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમ નરસંહાર વિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ ધાર્મિક ટિપ્પણી મામલે મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી તે ખોટું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મુહમ્મદ ઝુબેર, જેણે નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હકીકત તપાસના નામે હિંસા ભડકાવી હતી, તેની સોમવારે રાત્રે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આરોપ છે કે ઝુબેર ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરીને સમાજમાં નફરત ફેલાવવામાં, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં અને દેશની છબી ખરાબ કરવામાં સામેલ હતો.
ઝુબેરની ધરપકડ બાદ તરત જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપની નફરત, કટ્ટરતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનાર દરેક વ્યક્તિ તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજની ધરપકડ કરવાથી હજારો વધુ અવાજો ઉઠશે. નિરંકુશતા પર સત્યનો હંમેશા વિજય થાય છે.