કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ‘એક દેશ-એક રેશન કાર્ડ’ યોજના લાગુ કરવા જઇ રહી છે. આ યોજના અંતર્ગત એક જ રેશન કાર્ડથી દેશની કોઇપણ રેશનીંગની દુકાનમાંથી અનાજ ખરીદી શકશો. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે ટૂંક જ સમયમાં આખા દેશને આ યોજનાનો લાભ મળશે.
પાસવાને શુક્રવારે રાજ્યસભામાં પ્રશ્નકાળમાં જણાવ્યું કે સાર્વજનિક વિતરણ પ્રણાલીને કેશલેશ બનાવવામાં આવશે. આ સાથે જ સરકારની યોજના વન નેશન વન રાશન કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી આર્થિક નબળા વર્ગનાં લોકોને દેશમાં પોતાનાં ભાગનું અનાજ મળવાની સુવિધા મળશે.
પાસવાને એક પૂરક પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત લક્ષ્ય અંતર્ગત 2030 સુધી દેશને ગરીબીથી મુક્ત બનાનના માટે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 પ્રમાણે શહેરી ક્ષેત્રોમાં 50 ટકા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 75 ટકા આબાદીને સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ)ની મર્યાદામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશની બે તૃતીયાંશ વસ્તીને પીડીએસની મર્યાદામાં લાવવામાં આવે તો 2 રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે પ્રતિ કિલોગ્રામ ચોખા આપવામાં આવશે.
તેમણે પીડીએસમાં વિતરણ સંબંધી કોઇપણ ખામીને નકારતા તેમણે કહ્યું કે આ કેશલેસ હોવાને કારણે હેરાફેરીની કોઇ શંકા નથી.