નવી દિલ્હીઃ આગામી એપ્રિલ 2021થી નવા પગારધોરણના નિયમો લાગુ થશે, જેને પગલે ન માત્ર પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી અને હાથમાં આવતી સેલેરી એટલે કે ટેક-હોમ સેલેરી પર અસર થશે, સાથે-સાથે ભારતના ઔપચારિક સેક્ટરની બેલેન્સ સીટ પર પણ તેની અસર તશે. સરકારે પાછલા મહિને જ સંસદમાં વેજ-કોડના ખરડાને મંજૂરી આપી દીધી હતી અને કોમ્પન્સેશનના નવા નિયમો તે પગારધોરણના ભાગ હશે. આ નવા નિયમોના કેટલાંક ફાયદાઓ પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે.
આગામી નાણાંકીય વર્ષ 2021-22થી પગારની નવી વ્યાખ્યા લાગુ થશે, જેમાં ખાનગી ક્ષેત્રમાં પણ કામ કરનાર એક્ઝિક્યુટિવ્સની સેલેરી પણ શામેલ છે. નવા નિયમો હેઠળ તમામ ભથ્થા કુલ પગારના 50ટકાથી વધારે હશે નહીં. એટલે કે એપ્રિલ 2021થી કુલ પગારમાં બેઝિક સેલેરીનો હિસ્સો 50 ટકા કે તેનાથી પણ વધારે રાખવો પડશે. આ નવા પગારધોરણ આવ્યા બાદ પગારધોરણના માળખાંમાં મોટું પરિવર્તન આવશે.
પગારધોરણના નવા નિયમોથીં શું ફાયદો થશે?
પગારધોરણના નવા નિયમો અંગે કંપનીઓના એચઆર ઓફિસરે જણાવ્યુ કે, નવા નિયમોના ફાયદાની વાત કરીયે તો તેનો મુખ્ય ફાયદો નિવૃત્તિ બાદ ખબર પડશે, કારણ કે, તેનાથી ગ્રેજ્યુઇટીની રકમ વધી જશે. હકીકતમાં ગ્રેજ્યુઇટી બેઝિક પગારના હિસાબે ગણાય છે અને બેઝિક સેલેરી વધવાને કારણે ગ્રેજ્યુઇટીની રકમ પણ વધી જશે. આ નવા માળખાંમાં કર્મચારી અને કંપનીઓ બેંનેનું પીએફમાં યોગદાન વધી જશે. એટલે કે તમારી બચતમાં વધારો થશે. જો કે તેની અસર તમને દર મહિને હાથમાં મળતી સેલેરી એટલે કે ટેક-હોમ સેલેરી પર પડશે.
શું નુકસાન થશે?
નવા પગારધોરણના ફાયદો ઓછા અને ગેરફાયદાઓ વધારે છે. તેનાથી સૌથી મોટુ નુકસાન તો એ છે કે, તેને પગલે કર્મચારીઓની ટેક-હોમ સેલેરી ઘટી જશે. નોંધનિય છે કે, ઉંચાં પગારવાળા એક્ઝિક્યુટિવની સેલેરીમાં 70થી 80 ટકા રકમ ભથ્થાઓ જ હોય છે. કર્મચારીઓ કરતા નવા નિયમોનો બોજ કંપનીઓ પર વધારે પડશે. પીએફ કોન્ટ્રિબ્યુશન અને ગ્રેજ્યુઇટીમાં વૃદ્ધિને પગલે કંપનીઓનો ખર્ચ વધી જશે અને એ કહેવુ પણ ખોટી નથી કે કંપનીઓ પોતાનો સંપૂર્ણ બોજ કર્મચારોના ખંભે લાદતા અચકાશે નહીં.