હાલ માં કોરોના ની સ્થિતિ માં બાળકો ઓન લાઇન સ્ટડી કરી રહ્યા છે ત્યારે તેઓની તબિયત અને આરોગ્ય સામે સવાલો ઉઠ્યા છે તેવે સમયે કેન્દ્ર સરકાર ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘પ્રજ્ઞાતા’ નામથી મંગળવારે જારી કરાયેલા નવા દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રી-પ્રાઇમરીનાં બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી નહિ કરવા સહિત ધો. 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશન અંગે નિયમો બનાવાયા છે.
ઓનલાઇન સ્ટડી અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિશાનિર્દેશ તૈયાર કર્યા છે. કોરોના મહામારીના કારણે 16 માર્ચથી સ્કૂલો બંધ છે, જેની 24 કરોડથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ છે. એવામાં ઓનલાઇન સ્ટડીની રોજ ઓછામાં ઓછી 1 શિફ્ટ ફરજિયાત કરાઇ છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે આ દિશાનિર્દેશ ઘરે રહીને ભણતાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. મહામારીની અસર ઘટાડવા સ્કૂલોએ શિક્ષણપદ્ધતિ નવેસરથી તૈયાર કરવા ઉપરાંત ઘર અને સ્કૂલ માટે ગુણવત્તાસભર મિશ્ર શિક્ષણ ની ભલામણ કરાઈ છે. આ સિવાય
કેન્દ્ર સરકારે કોરોના સંકટના કારણે પરપ્રાંતમાંથી ઘરે પાછા ફરેલા શ્રમિકોનાં બાળકોને તેમના કે નજીકના ગામની સ્કૂલમાં જ પ્રવેશ આપવા અંગે પણ દિશાનિર્દેશ જારી કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના મહામારીના કારણે સ્થાનિક ક્ષેત્ર છોડી ગયેલા આવા વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરવા કહ્યું છે. ડેટા બેન્કમાં આવાં બાળકોની હંગામી ધોરણે શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે ભલામણ કરવા જણાવાયું છે.
કોરોના ની સ્થિતિ માં બાળકો ની શિક્ષણ વ્યવસ્થા જળવાઈ રહે અને કુમળા માનસ ઉપર અસર પણ ન પડે તે રીતે ઓન લાઇન શિક્ષણ વ્યવસ્થા ઉપર ભાર મુકવા કેન્દ્ર એ ભલામણ કરી છે.
