ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં જ્યાં ઓવૈસીએ મહા વિકાસ આઘાડીને સમર્થન આપીને મોટી દાવ રમી છે ત્યાં રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે અપક્ષ ઉમેદવારોને સમર્થન આપીને કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બધા વચ્ચે રાજ ઠાકરેની પાર્ટી MNSએ શિવસેના પર પ્રહારો કર્યા છે.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં AIMIMના બે ધારાસભ્યો છે. આ બંને ધારાસભ્યોના મત અહીં રાજ્યસભાની ચૂંટણીને રસપ્રદ બનાવે છે. મતદાનની શરૂઆત પહેલા, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન મહા વિકાસ અઘાડીને સમર્થન આપ્યું છે. આ અંગે મનસેએ કહ્યું છે કે ઓવૈસીની પાર્ટીનો ટેકો લઈને શિવસેનાનું હિન્દુત્વ ખુલ્લું પડી ગયું છે.
MNS પ્રવક્તા ગજાનન કાળેએ કહ્યું કે, શિવસેનાએ નિઝામના વંશજો પાસેથી સમર્થન લીધું છે. તેમનું હિન્દુત્વ કેવું છે, તે ખુલ્લું પડી ગયું છે. વાસ્તવમાં AIMIMએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમારા ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને મત આપશે. મહારાષ્ટ્રમાં, એમવીએ રાજ્યસભા માટે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાના બે, કોંગ્રેસ અને એનસીપીના એક-એક ઉમેદવાર છે. કોંગ્રેસના નેતા અને રાજ્યના મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, અમારા ચારેય ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં જ આરામથી ચૂંટણી જીતવાના છે.