નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો અને કંપનીઓના સ્વિસ એકાઉન્ટની બીજી યાદી ભારતને મળી ગઇ છે. સ્વિત્ઝર્લેન્ડની સાથે આ માહિતીના ઓટોમેટિક એક્સચેન્જને લઇને થયેલી સમજૂતી હેઠળ ભારતને જાણકારી મળી છે. કાળા નાણાં વિરુદ્ધ સરકારની લડાઇમાં તેને મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.
સ્વિત્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ ચાલુ વર્ષે એઇઓઆઇ (ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન) ફ્રેમવર્ક હેઠળ ભારત સહિત 86 દેશોના એકાઉન્ટ સંબંધિત આંકડા આપ્યા હતા. ભારતને તે હેઠળ સપ્ટેમ્બર 2019માં પ્રથમવાર સ્વિસ એકાઉન્ટ સંબંધિત આંકડા પ્રાપ્ત થયા હતા. તે સમયે સ્વિસ FTAએ 75 દેશોને માહિતી આપી હતી.
FTA તરફથી આજે શુક્રવારે જારી કરાયેલા નિવેદનમાં જણ વાયુ છે કે, ઇન્ફોર્મેશન એક્સચેન્જ હેઠળ ચાલુ વર્ષે 31 લાખ સ્વિસ એકાઉન્ટની માહિતી અપાઇ છે. પાછલા વર્ષે પણ આટલી જ સંખ્યામાં માહિતી FTA તરફથી અપાઇ હતી.
FTA તરફી જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે ભારતનું નામ લેવાયુ નથી પરંતુ અધિકારીઓએ જણાવ્યુ કે, ભારત એવા મુખ્ય દેશોમાં શામેલ છે, જેમની સાથે સ્વિત્ઝર્લેન્ડને સ્વિસ બેન્ક એકાઉન્ટ સંબંધિત માહિતીઓ આપી છે.
અધિકારીઓએ કહ્યુ કે, ચાલુ વર્ષે સ્વિત્ઝર્લેન્ડ દ્વારા 86 દેશોને સોંપવામાં આવેલા 30 લાખથી વધુના એકાઉન્ટની માહિતીમાં ભારતીય નાગરિકો અને કંપનીઓની સંખ્યા વધારે હોવાનું દર્શાવે છે.
અધિકારીઓના મતે સ્વિત્ઝર્લેન્ડના અધિકારી છેલ્લા એક વર્ષમાં 100થી વધારે ભારતીય નાગરિકો અને કંપનીઓની માહિકી ભલામણ હેઠળ આપી ચૂક્યા છે. સ્વિસ અધિકારીઓએ નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલી તપાસ એજન્સીઓના સંદર્ભમાં ભારતીય અધિકારીઓ તરફથી સહયોગના આગ્રહ હેઠળ આ માહિતીઓ આપી છે. તેમાથી મોટાભાગના કિસ્સામાં જુના એકાઉન્ટ તેમજ વર્ષ 2018 પહેલા બંધ થયેલા એકાઉન્ટ સંબંધિત છે. AEOI માત્ર સક્રિય અથવા 2018માં બંધ કરાયેલા એકાઉન્ટમાં કિસ્સામાં લાગુ છે.