ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગોવામાં ભાજપમાં નહિ જોડાનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની પ્રશંસા કરી હતીકે જેઓ તેમના આઠ સાથીદાર સાથે શાસક ભાજપમાં જોડાયા નથી. ચિદમ્બરમે કહ્યું કે આ ત્રણેય ધારાસભ્યોએ ભગવાન, પક્ષ, મતદારો અને સિદ્ધાંતો પ્રત્યે “અચળ નિષ્ઠા” દર્શાવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા ગંભીર આરોપો લગાવ્યા હતા.
ગોવામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના મુદ્દે શાસક પક્ષ પર પ્રહાર કરતા પી ચિદમ્બરમે કહ્યું કે 2014થી ભારતીય જનતા પાર્ટી રાજકારણના બજારમાં એક “હોલસેલ ખરીદનાર” પક્ષ બની ગયો છે અને એક દિવસ ભાજપ લગભગ તમામ ધારાસભ્યોને ખરીદી લેશે. નેતાઓ ખરીદો અને દેશના મતદારોની મજાક કરો જેવી સ્થિતિ ઉભી થઇ છે.
મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો બુધવારે ભાજપમાં જોડાતા વિરોધ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.
ચિદમ્બરમ ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક હતા.
તેમણે કહ્યું હતું કે “એક પક્ષ અનુભવીઓ કે નવા ચહેરાઓ અને શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. જો તેઓ જીતી પણ જાય પણ જ્યારે ખરીદદારો તેમને કોઈપણ કિંમતે ‘ખરીદે’, તેમાં પક્ષ શું કરી શકે?”