કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે સતત ત્રીજા દિવસે મની લોન્ડરિંગ કેસમાં આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીએ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયનના માલિકીના નિર્ણયોમાં તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્રણ દિવસમાં લગભગ 30 કલાક તેની પૂછપરછ કરવામાં આવી. મંગળવારે 11 કલાક અને સોમવારે સાડા દસ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. શુક્રવારે ફરીથી પૂછપરછ થશે.
રાહુલની પૂછપરછ પર નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘૂસીને પાર્ટીના કાર્યકરોને હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસ ગુરુવારે તમામ રાજ્યોમાં રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના આવાસનો ઘેરાવ કરશે અને શુક્રવારે જિલ્લા મુખ્યાલય પર વિરોધ પ્રદર્શન કરશે.
રાહુલ ગાંધીની અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન તમામ સેશનના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યા હતા. તેમના નિવેદનો A4 સાઈઝના પેપર પર ટાઈપ કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ કલમ 144ના ઉલ્લંઘનમાં વિરોધ કરવા બદલ પોલીસે સોમવારથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 800 વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે.