ઈ કોમર્સ કંપની એમેઝોન ઈન્ડિયાએ રવિવારે જણાવ્યું હતું કે, તે ભારત અને અન્ય દેશોમાં ઉપભોક્તાઓની મદદ માટે ગ્રાહક સેવા સંગઠનમાં 20 હજાર લોકોને અસ્થાયી આધાર પર નોકરીઓ આપવા જઈ રહ્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ નોકરીઓ ઉપભોક્તાઓની વધતી માગને પૂરી કરવા માટે આપવામાં આવી રહી છે.
આગામી છ મહિનામાં હૈદરાબાદ, પુણે, કોયમ્બતુર, નોઈડા, કોલકાતા, જયપુર, ચંદીગઢ, મંગલુરુ, ઈન્દોર, ભોપાલ અને લખનઉમાં આ નોકરીઓ આપવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, મોટા ભાગના પદ એમેઝોનના વર્ચ્યુઅલ ગ્રાહક સેવા કાર્યક્રમનો ભાગ હશે. જેના હેઠળ ઘરથી કામ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેના માટે ઓછામાં ઓછું 12મું પાસ હોવું જરૂરી છે અને અંગ્રેજી, હિન્દી, તામિલ કે કન્નડ ભાષા જાણવી જરૂરી છે.