નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાવાયરસ મહામારી ભયંકર સ્વરૂપમાં ફેલાઈ રહી છે અને બીજી બાજુ હોસ્પિટલમાં ઓકિસજન ઓછું થઈ રહ્યું છે. આ દરમિયાનમાં સૌથી કરુણ ઘટના બની છે અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં પૂરતા ઓકિસજનના અભાવથી ગંભીર એવા ૨૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે અને અપૂરતા ઓકિસજનને લીધે બીજા ૬૫ ગંભીર દર્દીઓ પર જોખમ ઊભું થઈ ગયું છે. દિલ્હી ની હાલત દિવસે દિવસે વધુ ખતરનાક બની રહી છે.
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૬ હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે. ૨૪ કલાકમાં જ ૩૦૬ દર્દીના મૃત્યુ થઈ જતા દિલ્હીમાં કુલ મૃત્યુઆકં ૧૩ ૧૯૩ થઈ ગયો છે. અત્યારે કેસનો કુલ આકં ૯ લાખ ૫૬ હજારને પાર કરી ગયો છે. દિલ્હીની હોસ્પિટલમાં ઓકિસજન નો અભાવ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે અને સેંકડો દર્દીઓ ના જીવ જોખમમાં મુકાઇ ગયા છે.
સત્તાવાર અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાવાયરસ મહામારી પાછલા એક સપ્તાહથી વધુ આક્રમક બની ગઈ છે અને સંક્રમણ નો દર ૩૬.૨૪ ટકા પર પહોંચી ગયો છે અને એકિટવ કેસની સંખ્યા ૯૧ હજારને પાર કરી ગઇ છે.
દિલ્હી ની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે વર્તમાન સમયમાં જેટલા લોકો હોમ આઇસોલેશન માં છે એટલા કયારેય ન હતા અને પહેલા આવી હાલત ન હતી. અત્યારે દિલ્હીમાં ૪૭ હજાર દર્દીઓ હોમ આઇસોલેશન મા છે.
જો કે દિલ્હી ગંગારામ હોસ્પિટલમાં અતિ કરુણ ઘટના બની ગઈ છે અને પૂરતું ઓકિસજન નહીં મળવાને કારણે ૨૫ જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને બીજા ૬૫ આવા દર્દીઓ પર જોખમ ઊભું થયું છે.