ભારતમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨.૭૩ લાખ કેસો સામે આવ્યા છે, જ્યારે કુલ કેસોનો આંકડો ૧.૫૦ કરોડને વટાવી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના ૨૫ લાખ નવા કેસો ઉમેરાયા છે. એક્ટિવ કેસ એક જ દિવસમાં એક લાખ વધીને હવે ૧૯ લાખને પાર પહોંચી ગયા છે. બીજી તરફ વધુ ૧૬૧૯ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૧.૭૮ લાખને પાર પહોંચી ગયો છે. જે પણ લોકો માર્યા ગયા છ અથવા જેમને કોરોના થયો છે તેમાંથી ૭૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી વધુ વયના છે. તેથી વૃદ્ધોને બીજી વહેરમાં પણ માઠી અસર પહોંચી હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.
૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ દેશમાં કુલ કેસનો આંકડો એક કરોડે પહોંચ્યો હતો, જ્યારે માત્ર ૧૦૭ દિવસમાં આંકડો ૧.૨૫ કરોડે પહોંચ્યો હતો અને માત્ર ૧૫ દિવસમાં જ બીજા ૨૫ લાખ કેસો ઉમેરાતા હવે આંકડા દોઢ કરોડને પાર પહોંચી ગયા છે. સતત ૪૦માં દિવસે એક્ટિવ કેસના આંકડા વધી રહ્યા છે અને કુલ એક્ટિવ કેસ ૧૯.૨૯ લાખે પહોંચી ગયા છે જે કુલ કેસોની સરખામણીએ ૧૨.૧૮ ટકા છે. બીજી તરફ રીકવરી રેટ વધુ ઘટીને ૮૬ ટકાએ આવી ગયો છે. માત્ર એક જ દિવસમાં ૧૨ લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા જેથી કુલ ટેસ્ટિંગનો આંકડો ૨૬.૭૮ કરોડને વટાવી ગયો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા ૬૮ હજાર કેસો સામે આવ્યા છે. જ્યારે ૩૦૫૬૬ કેસો સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે અને ૨૫૪૬૨ કેસો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. આ ત્રણેય રાજ્યોમાં સતત ત્રણથી ચાર દિવસથી આંકડો વધી રહ્યો છે.
દિલ્હીમાં સ્થિતિ કફોડી બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાત દિવસનું લોકડાઉન જાહેર કરી દીધુ છે જેની શરૂઆત સોમવારથી કરી દેવામા આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ દિલ્હીમાં ઓક્સિજન, આઇસીયુ સુવિધા વાળા બેડ અને દવાઓની મોટી અછત ઉભી થઇ ગઇ છે એવામાં લોકડાઉન જ એક માત્ર ઉપાય દેખાઇ રહ્યો છે. સોમવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલુ લોકડાઉન ૨૬મી એપ્રીલે સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોરોના: એઈમ્સમાં દાખલ કરાયા
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, રાહતની વાત છે કે પૂર્વ વડાપ્રધાન કોરોનાની રસી લઈ ચુક્યા છે. રસી લીધી હોવાથી કોરોના એટલી ગંભીર અસર નહીં કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ૪થી માર્ચે મનમોહન સિંહ અને તેમનાં પત્ની ગુરશરણ કૌરે એઈમ્સની મુલાકાત લઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.