નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસે ચારેય બાજુથી ભારતનો ભરડો લીધો છે. દેશમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસની સાથે સાથે મોત થઇ રહ્યા છે. જે બહુ જ ચિંતાજનક બાબત છે.
ભારતમાં કોરોનાના કેસો બુલેટ ગતીએ આગળ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૩.૫૨ લાખ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ ૨૮૧૨ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. જે સાથે જ દેશમાં હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧.૭૩ કરોડે પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૮ લાખને પાર પહોંચી ગઇ હતી.
બીજી તરફ દેશમાં કુલ મૃત્યુઆંક હવે વધીને ૧.૯૫ લાખને વટાવી ગયો છે. જે ૧.૯૫ લાખ જેટલા કુલ મોત નિપજ્યા છે તેમાં ૬૪૭૬૦ મહારાષ્ટ્ર, ૧૪૪૬૨ કર્ણાટક, ૧૪૨૪૮ દિલ્હીમાં અને ૧૧૧૬૫ મોત ઉત્તર પ્રદેશમાં નિપજ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા ૩૩ હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે વધુ ૨૪૯ લોકોના મોત નિપજ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે કોરોના મહામારીને આગળ વધતી અટકાવવા માટે કન્ટેન્મેન્ટ પદ્ધતી અપનાવવામાં આવે. જેમાં જે વિસ્તારમાં કોરોનાના કેસો વધુ હોય ત્યાં આકરા પ્રતિબંધો લાદવામાં આવે. જે વિસ્તારો, શહેર, જિલ્લામાં કોરોનાના કેસો વધુ હોય ત્યા આકરા પગલા ભરવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ એક રાહતનાં સમાચાર આપ્યા છે, કેન્દ્રીય ઓરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લ અગ્રવાલે કહ્યું કે ઘભરાવાની જરૂર નથી, કેમ કે આ સમયે દેશમાં ૮૨ ટકા લોકો કોરોનાથી ઉગરી ચુક્યા છે, અને લગભગ ૧૬.૨૫ ટકા કેસ એટલે કે ૨૮,૧૩,૬૫૮ કેસ અત્યાર સુધી એક્ટિવ કેસની કેટેગરીમાં છે, જેનાં પર નજર રાખવામાં આવી રહી છે, આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, અને તમિલનાડુમાં હાલ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે, પરંતું અહીં પણ ધીરે-ધીરે સુધારો થતો જોવા મળી રહ્યો છે.
મંત્રાલય દ્વારા સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોવિડ-૧૯ દર્દીઓને કહ્યું કે ઘણા લોકો ભયનાં કારણે હોસ્પિટલોનાં બેડ પર કબજો જમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત પાસે પુરતો મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ છે, પડકાર તેને હોસ્પિટલ પહોંચાડવાની છેે.
હાલ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત પણ જોવા મળી રહી છે, એવામાં લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કહ્યું છે કે લોકોમાં કોરોનાને લઇને રહેલો ભય છે તેનાથી સારુ થવાને બદલે વધુમાં વધુ નુકસાન થશે. માટે આ ભયને દુર કરવા માટે રાજ્ય સરકારોએ પ્રયાસો કરવા જોઇએ. બીજી તરફ કર્ણાટક સરકારે મંગળવારે રાતથી ૧૪ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે લોકડાઉનના બદલે સરકારે ક્લોઝ ડાઉન શબ્દનો પ્રયોગ કર્યો હતો. કર્ણાટકમાં જરુરી વસ્તુઓની દુકાનોને સવારે છ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.