નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામે મહત્વપૂર્ણ ગણાતી બે રસી હાલ ભારતમાં અપાઇ રહી છે જ્યારે ત્રીજી રસીનું આગમ પણ થઇ રહ્યું છે. રશિયાની સ્પૂતનિક રસી ભારત આવી ગઇ છે. રશિયાથી બે વિમાન દ્વારા આ રસી ભારતમાં લાવવામાં આવી હતી, પહેલી મેથી ૧૮થી ૪૫ વર્ષની વયનાને રસી આપવાનું શરૂ થશે, જેમને રશિયાની આ રસી પણ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે આ રસી અંગે વાતચીત કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે કોરોના સામેની લડાઇમાં રશિયાએ મદદ કરી તે માટે પુતિનનો મે આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. આ પહેલા ૧૬મી એપ્રીલે ભારતના રશિયા સ્થિત રાજદુત બાલા વેંકટેશ વર્માએ કહ્યું હતું કે રશિયાની સ્પૂતનિક રસી એપ્રીલના અંત સુધીમાં ભારત પહોંચાડી દેવામાં આવશે.
૨૮મીએ દિવસે રશિયાથી બે વિમાનમાં આ રસી રવાના કરાઇ હતી જે રાત્રે ભારત પહોંચી ગઇ હતી. દિલ્હીમાં હાલ આ રસીને ઉતારવામાં આવી છે અને એક બે દિવસમાં તે રાજ્યોને પહોંચતી કરી દેવામાં આવી શકે છે. કેમ કે પહેલી મેથી ત્રણેય રસી આપવાનું શરૂ કરવામાં આવી શકે છે. સ્પૂતનિક-વી રસીના ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરી રહેલી રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેંટ ફંડ (આરડીઆઇએફ) એજન્સીએ કહ્યું હતું કે ભારત ૬૦મો દેશ બન્યો છે કે જેને સ્પૂતનિક રસી આપવામા આવી છે. આરડીઆઇએફના સીઇઓએ કહ્યું હતું કે ભારતમાં સ્પૂતનિક-વીના ૮૫૦ મિલિયન ડોઝ દર વર્ષે બનાવવા જઇ રહ્યા છીએ. જે દુનિયાના આશરે ૪૨૫ મિલિયન લોકોને મદદરુપ થશે.