ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે અને હવે દૈનિક નવા કેસોની સંખ્યા દોઢ લાખની નીચે જતી રહી છે. જો કે સાવધાનીના ભાગરૂપ હજી પણ કેટલાંક રાજ્યમાં કડક કોવિડ પ્રતિબંધો અને લોકડાઉન લાગુ છે.
ભારતમં બુધવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૩૨ લાખ કેસો સામે આવ્યા હતા. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો ૨.૮૩ કરોડને પાર પહોંચી ગયો છે અને પોઝિટિવિટી રેટ ઘટીને ૬.૫૭ ટકા રહ્યો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૨૦૭ લોકોના મોત નિપજ્યા છે.
કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩.૩૫ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસો સતત બીજા દિવસે ૨૦ લાખની અંદર રહ્યા છે અને માત્ર ૧૭ લાખની આસપાસ રહ્યા છે જે કુલ કેસોના ૬.૩૪ ટકા છે. સતત ૨૦માં દિવસે સાજા થયેલાની સંખ્યા વધી રહી છે અને અત્યાર સુધીમાં ૨.૬૧ કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો પાસે હજુ પણ કોરોનાની રસીના ૧.૬૪ કરોડ ડોઝ ઉપલબ્ધ છે. એવામાં કેન્દ્ર સરકારે હવે વિદેશથી રસીની આયાત માટે નિયમોને વધુ હળવા કર્યા છે.