અમદાવાદઃ હાલ સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના વાયરસની અસરકારક રસી કે દવા શોધવામાં વ્યસ્ત છે. ભારતમાં પણ કોરોના વેકસીનનું વ્યાપક સ્તરે સંશોધન ચાલી રહ્યુ છે ત્યારે આ રસી વિકસાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા જઇ રહ્યુ છે. કોરોના વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડિકલ કોલેજોની પસંદગી કરવામાં આવી છે. ત્યાં આ કોરોના વેક્સીનના ફેઝ-3નું ક્લિનિકલ ટ્રાયલ થશે.
કોરોનાની વેક્સિનના ટ્રાયલ માટે ગુજરાતની 5 કોલેજની પસંદગી કરવામાં આવી છે. ભારત બાયોટેક ઈન્ટરનેશન લિમિટેડ. હૈદરાબાદ દ્વારા આઈસીએમઆર અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી, પુણેના પરામર્શમાં રહી સંપૂર્ણ રીતે સ્થાનિક કોવાક્ષીન-ટીએમ નામની કોરોનાની રસી વિકસાવી છે. આ રસીના ફેઝ-3ના ક્લિનીકલ ટ્રાયલ માટે ગુજરાતની 5 શૈક્ષણિક સંસ્થા સંલગ્ન હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.
આ રસીનું ટ્રાયલ હવે ગુજરાતમાં અમદાવાદની 4 અને ગાંધીનગરની 1 હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. રસીનું ટ્રાયલ અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ, સોલા ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ચાંદખેડાની ડો એમ. કે. શાહ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર, એસ.જી.વી.પી મેડીકલ કોલેજમાં અને ગાંધીનગરની જીએમઈઆરએસ કોલેજ ખાતે થશે.
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક સહિત ઘણી ફાર્મા કંપનીઓ કોરોના વાયરસની રસ વિકસાવવામાં વ્યસ્ત છે.