કોરોના વાયરસથી બચવા માટે હાલ સૌથી સરળ ઉપાય વેક્સિન છે. મહામારીને કાબુ રાખવા માટે સરકારે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધર્યુ છે. ભારતમાં હાલ સ્થાનિક સ્તરે વિકસીત કરાયેલી કોવિશિલ્ડ અને કોવેક્સીન મૂકવામાં આવી રહી છે. ઉપરોક્ત બંને રસી લીધા પછી તેની અસરનો તાગ મેળવવા હાથ ધરાયેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બંને રસી સલામત અને કાર્યક્ષમ જણાઈ છે.
કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધા પછી એન્ટીબૉડી પ્રતિભાવનો અંદાજ મેળવવા માટે વિવિધ વર્ગોને આવરી લેતો દેશવ્યાપી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 515 હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ કોલકતાના ડો. એ. કે. સિંઘ, અમદાવાદના ડો.સંજીવ ફાટક, ધનબાદના ડો. એન કે સિંઘ અને જયપુરના ડો. અરવિંદ ગુપ્તા તથા અન્ય ડોકટરોએ હાથ ધર્યો ધર્યો હતો.
સ્પાઈક પ્રોટીન સામેના એન્ટીબોડીનો અંદાજ અમદાવાદની નોબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં મેળવવામાં આવ્યો હતો. ડો.સંજીવ ફાટક જણાવે છે “અમને આ અભ્યાસમાં સામેલ થનારા 95 ટકા લોકોમાં તેમણે રસીનો બીજો ડોઝ લીધાના 21 દિવસ પછી સારો એન્ટીબૉડી પ્રતિભાવ જોવા મળ્યો હતો. આ રસીના પરિણામે સારી સીરોપોઝિટિવિટી જોવા મળી હતી. તે કોવિશીલ્ડ રસી લેનારમાં 98 ટકા અને કોવેક્સીન લેનારમાં 80 ટકા જોવા મળી હતી.”
તેમણે આ બાબતે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે “આમ છતાં ન્યુટ્રાલાઈઝીંગ એન્ટીબૉડી ટાઈટરને કારણે એન્ટી-સ્પાઈક એન્ટીબૉડીનુ સ્તર એકસરખુ જોવા મળ્યુ ન હતું. આથી એન્ટીસ્પાઈક એન્ટીબૉડી પેદા થવાના ઉંચા પ્રમાણને રસી લેનારને પ્રાપ્ત થયેલી સુરક્ષાની વધુ ટકાવારી તરીકે ગણી શકાય નહી.” આ અભ્યાસનાં તારણમાં એવો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે કોવિશિલ્ડ અને કોવેક્સીન બંને રસી સલામત છે કારણ કે બંને ડોઝ લઈ ચૂકેલા 515 હેલ્થકેર વર્કર્સને કોઈ પણ આડઅસર જોવા મળી નથી.
આ અભ્યાસમાં એવુ પણ તારણ પ્રાપ્ત થયુ છે કે બ્રેકથ્રુ ઈનફેકશન રેટ એટલે કે બંને ડોઝ લીધા પછી કોરોનાનો ચેપ લાગવાનો દર કોવિશિલ્ડના કેસમાં 5.5 ટકા અને કોવેક્સીનના કેસમાં 2.2 ટકા જોવા મળ્યો છે. ડો. ફાટક વધુમાં જણાવે છે કે “બંને રસી લેનારની ઘાતક કોવિડ-19 સામે સુરક્ષા સલામતની સાથે સાથે અસરકારક પણ જણાઈ છે. તબીબી ક્ષેત્રે કોઈ અન્ય સંશોધન અંગે પ્રગતિ થાય નહી ત્યાં સુધી રસીકરણ એ કોરોના વાયરસથી દરેકને બચાવવા માટેનો એક માર્ગ છે અને તે પણ દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો જ. કોવિશિલ્ડ અને કોવેક્સીન બંને રસી માટેનાં તારણો એક સરખાં છે અને લોકોને જે કોઈ રસી સુલભ હોય તે લેવી જોઈએ.”
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 23.04 કરોડ ડોઝ અપાઈ ચૂકયા છે, જેમાં 4.50 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે.