નવી દિલ્હીઃ કોરોના વેક્સીન મુકાવતા ડરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો તમારું સ્વાસ્થ્ય બગડે છે અને તમે હોસ્પિટલમાં દાખલ થાઓ છો, તો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તેનો ખર્ચ ઉઠાવશે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI) એ આ સંદર્ભે એક નિર્દેશ જારી કર્યો છે. જણાવી દઈએ કે 18 માર્ચ સુધી 3.07 કરોડ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
IRDAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો કોવિડ-19 રસીકરણ પછી કોઈ રિએક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો શું તે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે. IRDAIએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીકરણ પછી, જો પ્રતિકૂળ અસરોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હેલ્થ પોલીસીહોલ્ડર્સનો ખર્ચ કંપનીઓ ઉઠાવશે. હોલ્પિટલાઇઝેશન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હેઠળ, પોલીસીના નિયમો અને શરતો હેઠળ આવરી લેવામાં આવે છે.
જણાવી દઇએ કે વીમા નિયમનકારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કોવિડ -19 ની સારવારનો સમાવેશ કર્યો હતો, પરંતુ રસીનો ખર્ચ તેમાં શામેલ કરવામાં આવ્યો ન હતો, જે હજી સુધી પોલીસીની બહાર છે.
કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચ 2021 થી શરૂ થયો છે. હજી સુધી, 3.7 કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. IRDAIની સૂચનાથી સ્પષ્ટ છે કે રસીકરણ પછીના રિએક્શનને લીધે, જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તેની સારવાર અન્ય રોગની જેમ કરવામાં આવશે અને તેના ખર્ચ વીમા કંપની દ્વારા આવરી લેવામાં આવશે.