છત્તીસગઢમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે તમામ 28 જિલ્લામાં લોકડાઉન લગાવ્યુ છે. અલગ અલગ તારીખો સુધી તમામ જિલ્લામાં પ્રતિબંધો લગાવ્યા છે. તાજેતરમાં જ સુકમા જિલ્લાને લઈને પણ આદેશ આપવામાં આવ્યો છે. અહીં 20 એપ્રિલથી સાંજના 6 કલાકથી 1 મે સુધી સવારના 7 કલાક સુધી સંપૂર્ણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન મેડિકલ સુવિધા તથા અતિ જરૂરી વસ્તુની સેવા જ ચાલુ રહેશે.
કોરોનાના બીજા સ્ટ્રેન દરમિયાન પ્રદેશમાં સૌથી પહેલા દુર્ગ જિલ્લામાં લોકડાઉન લગાવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં 6 એપ્રિલથી સંપર્ણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ રાજધાની રાયપુર, રાજનાંદગામ, બિલાસપુર, પેંડ્રા, સરગુજા, મહાસમું, ધમતરી સહિત અન્ય જિલ્લામાં લોકડાઉન લગાવાનો આદેશ જાહેર થયો હતો. કોરોના સંક્રમણ વધતા દર્દીઓના મોતનો આંકડો પણ વધતો જાય છે. ત્યારે આવા સમયે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં છત્તીસગઢમાં 13834 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 165 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાની રાયપુરમાં 2378 નવા દર્દીઓ મળી આવ્યા છે. દુર્ગ સૌથી વધુ દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. છેલ્લા 24 કલાકમાં, 1761 નવા દર્દીઓ અહીં મળી આવ્યા. આ સમય દરમિયાન 11815 એ રાજ્યમાં કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1 લાખ 29000 છે. પીડિતોની કુલ સંખ્યા 5 લાખ 58 હજાર 674 રહી છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 6083 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 423591 દર્દીઓ મળી આવ્યા છે.