ખાદ્ય તેલની છૂટક કિંમતો ઘટાડવા માટે ખાદ્ય મંત્રાલયે આજે બુધવારે તેલ કંપનીઓની બેઠક બોલાવી છે.
ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે, વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો હોવાછતાં ગ્રાહકોને લાભ મળી રહ્યો નથી ત્યારે આજે મળનારી મીટિંગમાં કંપનીઓને ભાવ ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કહેવામાં આવશે. અહીં, મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે GST હેઠળ મુક્તિ પ્રાપ્ત ઉત્પાદનોની સંખ્યામાં ઘટાડો કરવાની જરૂર છે.
સેવા ક્ષેત્ર માટે આ જરૂરી છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, સરકારનો પ્રયાસ બે-ત્રણ વર્ષમાં GST સિસ્ટમમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનો છે. મંત્રીઓનું જૂથ દરોને તર્કસંગત બનાવવામાં વ્યસ્ત છે.
સીઆઈઆઈના પ્રમુખ સંજીવ બજાજે જણાવ્યું હતું કે માળખાને સરળ બનાવવા માટે વીજળી અને ઈંધણને પણ જીએસટીના દાયરામાં લાવવા ઉપર ભાર મુક્યો હતો.
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં વિવિધ પ્રકારના ખાદ્ય તેલના ભાવમાં ટન દીઠ 300-450 ડોલરનો ઘટાડો થયો છે. જોકે રિટેલ માર્કેટમાં તેની કોઈ અસર જોવા મળતી નથી જે અંગે ચર્ચા થશે.
આજે મળનારી ઉદ્યોગ સંસ્થાઓ અને ઉત્પાદકોની બેઠકમાં ખાદ્યતેલના છૂટક ભાવમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડાને અનુલક્ષીને નીચે લાવવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.