ગાંધીનગરઃ કોરોના સંકટકાળમાં ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકીન વાયરસથી સંક્રમિત દર્દીઓ પાસેથી મનફાવે તેટલા ચાર્જ વસૂલ્યા છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીને બચાવવા માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો બેફામ કાળા બજાર થયા અને હોસ્પિટલો- મેડિકલ સ્ટોરવાળાઓએ લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હોય તે રીતે નાણાં પડાવ્યા છે. જેની સામે જનતામાં રોષની લાગણી દેખાઇ રહી છે.
કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ થતા મોટાભાગના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનના 6 ડોઝ આપવામાં આવે છે. આ ઇન્જેક્શનના પેકિંગ ઉપર આમ તો રૂ.5,500ની એમઆરપી લખેલી હોય છે પણ આ કપરાકાળમાં ગુજરાતના મોટાભાગના શહેરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએસન દ્વારા દર્દીઓની રાહત થાય તે માટે આ ઇન્જેક્શન ટેક્સ સાથે રૂ.1,650માં વેચવાનો નિર્ણય કરાયો છે અને આ ભાવે જ મેડિકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન મળી રહ્યા છે.
પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પરિસ્થિતિ બદલાઇ જાય છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી ઇન્જેક્શન લાવવાની મનાઇ કરવામાં આવે છે એટલુ જ નહી પરંતુ બહાર રૂ.1,650માં મળતા રેમડેસિવિરના નર્સિંગ ચાર્જ સહિત રૂ.6000 સુધી વસુલવામાં આવે છે. છ ડોઝ આપવાના હોવાથી દર્દીને રેમડેસિવિરનો કોર્સ રૂ.36,000માં પડે છે.
હોસ્પિટલો જો 1,650 ઉપરાંત નર્સિંગ ચાર્જ મળીને (નફા સાથે)રૂ.2,000 માં પણ ઇન્જેક્શન આપે તો દર્દીને 6 ઇન્જેક્શનના કુલ કોર્સના રૂ.12,000 ખર્ચ થાય પણ તેના બદલે રૂ.36,000 વસુલાતા હોવાથી એક દર્દી દીઠ ફક્ત રેમડેસિવિરમાં જ હોસ્પિટલો રૂ.24,000ની કાળી કમાણી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગની હોસ્પિટલો ઉત્પાદકો પાસેથી જ આ ઇન્જેક્શનની ખરીદી કરે છે અને હોસ્પિટલોને આ ઇન્જેક્શન માત્ર રૂ.1,100માં પડે છે.
ખાનગી હોસ્પિટલો રેમડેસિવિર ઇન્જેક્શનના આડેધડ ચાર્જ વસુલી રહી છે ઉપરથી છેલ્લા ચાર દિવસથી શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે. જેના કારણે કેટલીક હોસ્પિટલો આ અછતના બહાને પણ મનફાવે તેવા ચાર્જ વસુલી રહી છે.
આ અછત અંગે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો સાથે વાત કરતા તેમનું કહેવુ છે કે ‘બે કારણો છે. એક તો છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. જે સ્પીડમાં દર્દીની સંખ્યા વધી રહી છે તે સ્પીડમાં સપ્લાય નથી આવી રહ્યો. બીજુ કારણ, હોળી-ધૂળેટીની રજાના કારણે લોજિસ્ટિક બંધ રહેતા માગ પ્રમાણે જથ્થો આવ્યો નથી.
ઉપરાંત ગુજરાતમાં મોટાભાગનો સપ્લાય નાગપુર અને હૈદ્રાબાદથી આવે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ભારે વધારાના પગલે ત્યાં ડિમાન્ડ વધી જતા ગુજરાતમાં જથ્થો ઓછો આવી રહ્યો છે. હાલમાં વડોદરામાં રેમડેસિવિરના રોજના 3000 ડોઝની જરૂર પડે છે તેની સામે 1,500નો સપ્લાય જ આવે છે. જો કે આ ટેમ્પરરી અછત છે બે ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઇ જશે એટલે કોઇએ ગભરાવાની જરૂર નથી.